બચપણથી યુવાની અને યુવાનીથી વૃદ્ધાવસ્થાની મજલ આમ તો વરસોની છે પણ લાગે કે જાણે પળમાં કપાઈ જતી હોય. સમય ક્યારેક બેરહમ થઈ કોઈને અધવચ્ચેથી ઉઠાવી લે છે, તો કોઈને વરસોનાં વરસ ઝાકળમાં સ્નાન કરાવ્યા કરે છે. આવતીકાલ ઉગશે કે નહીં એની નિશ્ચિતતા (surity) નથી એટલે જ માનવને નિશ્ચિંતતા (peace, comfort કે ease) નથી લાગતી. કવિ કહે છે કે સમયને સમજવો ખૂબ અઘરો છે. જેઓ એનો મર્મ પામી ગયા છે, તેઓ જીવનને યથાર્થરૂપે જીવી જાણે છે. સમયના મૂલ્યને વ્યક્ત કરતી સુંદર ગઝલ માણીએ મનહર ઉધાસના સ્વરમાં.
*
*
સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી,
નિયમ છે પ્રેમનો સાદો કદી એ ટકતો નથી,
તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો,
ને મારો સાદો નિયમ છે કે હું ભટકતો નથી
*
સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય
સદ્-ભાગી કોકને જ ફળી જાય છે સમય
રહેશો ના કોઈ પણ આ સમયના ગુમાનમાં,
સરતો હવાની જેમ સરી જાય છે સમય.
ક્યારેય કોઈ એકનો થઈને રહ્યો નથી
રાજા અને નવાબનો બદલાય છે સમય
‘આઝાદ’ અણઉકેલ સમસ્યા છે આ સમય
સમજી શકે છે તેમને સમજાય છે સમય.
– કુતુબ આઝાદ
2 Comments