Press "Enter" to skip to content

Category: ખલીલ ધનતેજવી

આપણી વચ્ચે હતી!


મિત્રો, આજે ખલીલ ધનતેજવીની સુંદર શેરોથી મઢેલી ગઝલ. સંબંધો સ્થપાતા વરસોના વરસ નીકળી જાય છે પણ એને તૂટવા માટે તો એક ક્ષણ જ કાફી છે. શંકા, અવિશ્વાસ કે સંદેહની એક ક્ષણ જ મંથરા બની જીવનમાં આવતી હોય છે. અને પછી શું પરિણામ આવે તે અનુભવવા રામાયણ જોવાની જરૂર નથી. આપણી આસપાસ એવા અનેક ઉદાહરણો મળી રહે છે. સહજીવનની કે પ્રણયની પ્રત્યેક પળને જાગૃતિથી, વિશ્વાસથી અને ભરોસાથી જીવવાનો અમુલખ સંદેશ એમાંથી સાંપડે છે.

તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી!

આપણે એકાંતમાં ક્યારેય ભેગાં ક્યાં થયાં ?
તોય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી!

આપણે એકસાથ શ્વાસોશ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી!

કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું,
આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી!

આપણે તો પ્રેમના અરમાન પૂરવાના હતા
કાં અજુગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી!

આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી!

યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી!

એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી!

– ખલીલ ધનતેજવી

4 Comments