ગુજરાતની લગભગ બધી શાળાઓમાં આ પ્રાર્થના ગવાતી આવી છે. એના શબ્દો અને એનો ભાવ એટલો સુંદર છે કે હૃદયને સ્પર્શી જાય. એ સાંભળીને શાળાના સોનેરી દિવસો યાદ આવી જાય છે. પ્રાર્થના ગાતી વખતે ભલે ખબર ન્હોતી કે એનો ભાવાર્થ શું છે પણ હાથ જોડીને શાંતિથી ઉભા રહેવાનું અને બને તો આંખ બંધ રાખવાની વાત બરાબર યાદ છે. છઠ્ઠા ધોરણમાં મોગરી હાઈસ્કૂલમાં નટુભાઈએ હારમોનિયમ સાથે આ પ્રાર્થના શીખવેલી તે હજી સાંભરે છે. માણો આ સુંદર પ્રાર્થનાગીતને.
[આલ્બમ : પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર ]
*
જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !
વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !
– કરસનદાસ માણેક
9 Comments