Press "Enter" to skip to content

Category: જવાહર બક્ષી

ઉપેક્ષામાં નહિ તો


મિત્રો, આજે માણીએ જવાહર બક્ષી સાહેબની એક મજાની ગઝલ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં.
*
આલ્બમ-ઈર્શાદ

*
ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ,
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય એક એની રજાનો અનુભવ.

હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું,
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ.

કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ.

કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.

મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ.

હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો હતો ઝાંઝવાનો અનુભવ.

મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ.

– જવાહર બક્ષી

2 Comments

વિચિત્ર ન્યાય છે


જવાહર બક્ષી સાહેબની ગઝલો આમેય ખુબ ગહન અને અર્થસભર હોય છે, અહીં વળી વિરહની વાત માંડી છે એટલે બહુ ઓછા શબ્દોમાં ઘણું ઘણું કહી દીધું છે. વિરહની દશાની પરાકાષ્ઠા ‘મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે’.. માં છલકાય છે. ઢળતી સાંજે વારંવાર સાંભળવી ગમે એવી આ સુંદર ગઝલ માણો હંસા દવેના સ્વરમાં.
*
સ્વર- હંસા દવે, આલ્બમ – તારા શહેરમાં

*
તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે
દીવો કર્યા પછી જ તિમિરને ગવાય છે

લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં?
ઘરમાંથી બહાર આવતાં થાકી જવાય છે

ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે

એકાંત, મૌન, શૂન્યતા, અંધારુ કે સ્વયં ?
આ કોના ડરથી જોરથી વાતો કરાય છે?

અસ્પષ્ટતાને જોઈને તું જ પાસ આવ
મારો અવાજ શાહીમાં ખરડાય જાય છે

– જવાહર બક્ષી

6 Comments

ટોળાંની શૂન્યતા છું


આજે જવાહર બક્ષી સાહેબની એક સુંદર ગઝલ. આ ગઝલને અનેકવાર માણી છે અને છતાં ધરાવાતું નથી. આપણા બધાની જિંદગીનો સૂર આ ગઝલમાં વ્યક્ત થયો છે. ટોળાંની શૂન્યતા છું, શૂળી ઉપર જીવું છું .. કેટલું બધું કહી જાય છે. આપણે બધા એક રગશિયા ગાડાંમાં સવાર થઈને જિંદગી જીવી રહ્યા છે, જીવનનો મર્મ ભૂલી ગયા છીએ, જીવનને જીવવાનું ભૂલી ગયા છીએ. એ સત્યને અનોખી રીતે ધાર કાઢી આપતી આ કૃતિ માણો આશિત દેસાઈના સ્વરમાં.
*

*
ટોળાંની શૂન્યતા છું જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું હું છું ને હું નથી.

હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.

શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી.

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ,
હું ઢોલ છું,પીટો-મને કૈં થતું પણ નથી.

સાંત્વનના પોલાં થીંગડાંમાં સૂઈ ગઈ છે રાત,
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી.

– જવાહર બક્ષી

8 Comments

સજા કરે કોઈ


મિત્રો, આજે બક્ષી સાહેબની એક સુંદર ગઝલ. પ્રેમ એક એવો સંબંધ છે જેને કોઈ લેબલની જરૂર નથી પડતી. પ્રેમ એ જ સૌથી મોટું લેબલ છે. લોકો પ્રેમમાં પડેલા વ્યક્તિને પૂછે છે કે એની સાથે તમારો શું સંબંધ છે ? … તો જવાબ શું હોય ? શું ઝાકળને ફુલ સાથે કોઈ સંબંધ છે ? શું મેઘને ધરતી સાથે કોઈ સંબંધ છે ? શું રાધાને કૃષ્ણ સાથે કોઈ સંબંધ હતો ? કવિ પોતાના પ્રિયતમ માટે એવું ઈચ્છે છે કે એને પણ લોક એવું પૂછે … કદાચ એવું પૂછવું એ પ્રેમનો અહેસાસ અને એકરાર કરાવવામાં નિમિત્ત બને.

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

– જવાહર બક્ષી

3 Comments

દૂરતા કોઈ વખત મોંઘી પડી


પ્રિય વ્યક્તિનો વિયોગ સાલે તે સ્વાભાવિક છે પરંતુ કેટલીક વાર નીકટ રહેવાથી નીપજતી પરિસ્થિતિ એટલી કરુણ અને દર્દનાક હોય છે કે આપણને એમ થાય કે એના કરતા તો દૂર રહેલા સારા. યાદ આવે છે પેલી પ્રસિદ્ધ પંક્તિઓ …
સ્નેહ છે અગ્નિના જેવો સાવધાન સદા રહો
અતિ દૂર ન દે ઉષ્મા, દહે અતિ સમીપ તે.
આ જ ભાવોને મૂર્ત કરતી જવાહર બક્ષીની મને ખુબ ગમતી રચના એટલા જ સુંદર સ્વરાંકનમાં.
*
સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ

*
દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.

જીવવા જેવું જ જીવાયું નહી,
જીવવાની આવડત મોંઘી પડી.

મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.

આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.

શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી પડી.

– જવાહર બક્ષી

4 Comments

ભગવો થઇ ગયો

આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો.
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો.

આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો.
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો.

જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.

તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો.

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

– જવાહર બક્ષી

2 Comments