Press "Enter" to skip to content

Category: જલન માતરી

ગમી નથી

જલન માતરી સાહેબની આ રચનાનો એક શેર બહુ જ પ્રસિદ્ધ થયો છે. ઘણાં વરસો પહેલાં મુરારીબાપુની કથામાં એ સાંભળેલો. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર … એકદમ ઉડીને વળગી જાય તેવો હૃદયસ્પર્શી છે. વળી નદી પર્વતમાંથી નીકળ્યા પછી હંમેશા સાગર તરફ જ જાય છે, કદી પાછી પોતાના પિતૃગૃહે પાછી જતી નથી એ કરુણતાને કવિએ કેવી સહજ રીતે શુકન-અપશુકન પર છોડી દીધી છે. ચાલો માણીએ આખી રચનાને.

મજહબની એટલે તો ઈમારત બળી નથી
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી
સારું થયું કે કોઈ મનુજે લખી નથી

ત્યાં સ્વર્ગ ન મળે તો મુસીબતના પોટલાં
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર
કુર્રાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી

હિચકારું કૃત્ય જોઈને ઈન્સાનો બોલ્યાં
લાગે છે આ રમત કોઈ શયતાનની નથી

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી

ઊઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે
એ બંદગીનો દ્રોહ છે બંદગી નથી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

– જલન માતરી

1 Comment