Press "Enter" to skip to content

Category: હરીન્દ્ર દવે

ચાલ, વરસાદની મોસમ છે


વરસાદની મોસમ પૂરબહારમાં ચાલી રહી છે. આકાશનું હેત જ્યારે ધરતીને અનરાધાર નવડાવતું હોય ત્યારે પ્રણયભીનાં હૈયા કેમ કોરાં રહી જાય ? વરસાદમાં એકમેક પર વરસવાની સાથે સાથે પ્રેમ માટે હજુ વધુ તરસતાં જવાનું કહીને કવિ સંવેદનાને અનોખી ધાર કાઢી આપે છે. વરસાદ બુંદોથી સ્પર્શે તો કવિ કવિતાથી કેમ નહીં ? સાંભળો આ સુંદર રચના.
*

*
ચાલ, વરસાદની મોસમ છે, વરસતા જઈએ,
ઝાંઝવા હોય કે હોય દરિયાવ, તરસતા જઈએ.

મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઈએ.

આપણે ક્યાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ઘણા, ચાલને, ખસતાં જઈએ.

સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઈએ.

તાલ દેનાર ને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ

– હરીન્દ્ર દવે

4 Comments

ચાલ્યા કરીએ


પ્રેમમાં પડ્યા પછી પ્રેમીઓને દુનિયાની ફિકર નથી રહેતી. જો છાનાછપના પ્રેમ કરનારની લોકો બદનામી કરતા હોય તો આપણે મશહૂર થઈ ચાલ્યા કરીએ એમ કહીને કવિએ ખુબ સુંદર રીતે પ્રેમની ખુમારીને વ્યક્ત કરી છે. પ્રેમમાં ચકચૂર એવા પ્રેમી પંખીડાઓની મનોદશાનો ચિતાર આપતું આ સુંદર ગીત પુરુષોત્તમભાઈ અને હંસા દવેના સ્વરમાં.
*
આલ્બમ: ગુલમહોર

*
પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.

– હરીન્દ્ર દવે

1 Comment

મૃત્યુ

[ આજે ઉપરની પોસ્ટમાં લખ્યા મુજબ કાર્નેગી મેલન યુનિવર્સીટીના પ્રાધ્યાપક ડો. રેન્ડી પાઉશનું અવસાન થયું. એથી સહજ રીતે જ મૃત્યુ વિશે ચિંતન ચાલ્યું. થયું કે લાવ, મરણ વિશે કવિઓનું ચિંતન અહીં રજૂ કરું તો અસ્થાને નહીં ગણાય. ]

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને,
ટપાલ થઈને તમે ઘેરઘેર પહોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
– રમેશ પારેખ

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ મળવાને ત્યાં આખી સભા આવે.
-કૈલાશ પંડીત

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

રડ્યા ‘બેફામ’ મારા મરણ પર સૌ એ જ કારણથી
હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી !
– બેફામ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’
કે હું પથારીમાં રહું ને આખુ ઘર જાગ્યા કરે…
– મરીઝ

મોત કેરા નામથી ગભરાઉ એવો હું નથી,
બીકથી વહેવાર ચુકી જાઉં એવો હું નથી,
જાન દીધો છે ખુદાએ ચાર દિ માટે ઉધાર,
એનો પાછો સોંપતા ખચકાઉં એવો હું નથી.
– શૂન્ય પાલનપુરી

જન્મની સાથે જ મૃત્યુનો ચુકાદો હોય છે
કાળની પણ કેટલી નિર્મમ મુરાદો હોય છે
– ચંદ્રેશ શાહ

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઈ હર એક રસ્તા નીકળે
– રમેશ પારેખ

મૃત્યુ એટલે સમગ્ર જાત ને વહેંચવી
વૃક્ષમાં, પહાડમાં, વિહંગમાં, જરા તરા
– હેમેન શાહ

જવાનું ચોક્કસ આ જગથી,
જન્મ મરણની મહા નિસરણી
આ તો લઘુ પગથી …
– યોગેશ્વરજી

તને કોણે કહી દીધું મરણની બાદ મુક્તિ છે ?
રહે છે કેદ એની એ ફક્ત દિવાલ જ બદલે છે.
– અમૃત ઘાયલ

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’
જોવા તમાશો એક વાર ગુજરી જવું પડે.
– રવિ ઉપાધ્યાય

જીવતાં જાણ્યું નહીં ને આજ મરવાના પછી,
ના કરો ફુલો થકી, મારા કફનની છેડતી.
– ડો. સુચેતા ભડલાવાલા 

રેત ભીની તમે કરો પણ રણ સમંદર કદી નહીં લાગે,
શબને પુષ્પ તમે ધરો પણ મોત સુંદર કદી નહીં લાગે.

[ હજી ઘણું ઘણું યાદ આવે છે પણ અત્યારે આટલું જ … કારણ, તમને કંઈ યાદ આવે તો ઉમેરી શકો ને ? ]

3 Comments

ન કહો

[ મૃત્યુ કેવું હશે, એ પછી જીવનું શું થતું હશે, વગેરે વિચારો દરેકને આવે છે. આપણે બધા જ મૃત્યુને કંઈક અંશે ભયની નજરથી જોઈએ છીએ, એને અમંગલ, અશુભ માનીએ છીએ. પરંતુ અહીં જે રીતે એને અભિવ્યક્ત કરવામાં આવ્યું છે એ ખરેખર કાબિલે-તારીફ છે. રામકૃષ્ણ પરમહંસદેવ કહેતા કે મૃત્યુ એ તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવા જેવું છે, એક વસ્ત્ર ઉતારી બીજા વસ્ત્ર પહેરવા જેવું છે.  તાજેતરમાં અકસ્માત થયો તે સમયે લાગ્યું કે મૃત્યુ સાથે મારી મુલાકાત થઈ, એથી એનો સંદર્ભ જીવંત લાગે છે. છેલ્લી ચાર પંક્તિઓ મને વિશેષ પ્રિય છે. ]

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

– હરીન્દ્ર દવે

3 Comments

પાન લીલું જોયું ને


હરિન્દ્ર દવેની આ મારી મનગમતી કૃતિ છે. કદાચ એમની આ સૌથી શ્રેષ્ઠ કૃતિ છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ઘણી કાવ્યપંક્તિઓ લોકોના મોંઢે ચઢી જાય, આ એમાંની એક છે. ચાલો માણીએ ગુજરાતી સાહિત્યના ઘરેણાં સમી આ કૃતિ.
*
સ્વર – હંસા દવે

*
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રહ્માંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

– હરિન્દ્ર દવે

18 Comments