Press "Enter" to skip to content

Category: ગંગા સતી

મેરુ તો ડગે


વીજળીના ચમકારે મોતીડા પરોવો – એ એક ભજન દ્વારા ગુજરાતી સંતસાહિત્યના આકાશમાં ચમકારો કરનાર ગંગા સતીના ભજનોથી આપણે અજાણ નથી. આજે ગંગા સતીનું એવું જ એક અન્ય પ્રસિદ્ધ ભજન સાંભળીએ. ઈશ્વરના માર્ગે ચાલવાનો પ્રામાણિક પ્રયત્ન કરનાર અને ચાલીને અનુભૂતિથી સંપન્ન બનનાર વ્યક્તિના લક્ષણો વિશે કેટલી સરળ ભાષામાં ગંગાસતીએ કહ્યું કે જેનું મન સુખ-દુઃખ, પ્રસંશા-નિંદા, સારા-નરસાં કોઈપણ સંજોગોમાં સ્થિર અને સમ રહે તેને ખરો હરિનો જન જાણવો.
*

*
મેરુ તો ડગે જેનાં મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં; સોઈ હરિજનનાં પ્રમાણજી – મેરુ.

ચિત્તની વૃતિ જેની સદાય નિરમળ ને કોઈની કરે નહિ આશજી;
દાન દેવે પણ રહે અજાસી, રાખે વચનમાં વિશ્વાસ રે જી – મેરુ.

હરખ ને શોકની આવે નહી હેડકી, આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને તોડે માયા કેરા ફંદજી – મેરુ.

તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં, તે નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને આરાધના માંડે તો, અલખ પધારે એને દ્વારજી – મેરુ.

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે, શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં, જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ.

સંગત કરો તો તમે એવાની કરજો, જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગા સતી એમ બોલિયાં, જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી – મેરુ.

– ગંગા સતી

2 Comments

વીજળીને ચમકારે


વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ….આ એક પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગા સતી અને પાનબાઈનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. ભાવનગરના રાજપરા ગામમાં જન્મનાર ગંગાના લગ્ન સમળિયાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા. લગ્ન વખતે તે કાળની રાજપૂત પરંપરા પ્રમાણે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે સાથે મોકલવામાં આવી હતી. લગભગ સમાન ઉંમરની પાનબાઈ ગંગાસતીને માટે અધ્યાત્મપંથની સહયાત્રી બની.
પ્રસ્તુત પદમાં ગંગાસતી માનવજીવનને વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક હોય છે તેમ જીવન પણ ક્ષણિક છે. એમાં ઈશ્વરના નામનું મોતી પરોવવાનું છે. જો એ તક ચૂકી ગયા તો વીજળી થયા પછી અંધારું થઈ જાય એમ મૃત્યુ આવી પહોંચશે. વળી ભજનમાં ઉલ્લેખ છે કે એકવીસ હજાર છસ્સો કાળ ખાશે. તો એની પાછળ વૈજ્ઞાનિક ગણતરી છે. સામાન્ય રીતે આપણે દર મિનિટે 15 શ્વાસોશ્વાસ લેતા હોઈએ છીએ. તો આ ગણત્રી પ્રમાણે એક દિવસના 21,600 શ્વાસોશ્વાસ થાય. એટલે કે કાળ એ રીતે સમયને ખાઈ રહ્યો છે. અને આમ જ એક દિવસ શ્વાસ બંધ થઈ જશે એથી હરિનામનું મોતી પરોવી લેવાનું છે.
*
ફિલ્મ: ગંગા સતી (1979)

*
વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી રે ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે

જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !
અધૂરિયાને નો કે’વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી … વીજળીને ચમકારે

મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … વીજળીને ચમકારે

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી … વીજળીને ચમકારે

– ગંગા સતી

11 Comments