આકાશને ક્યાં આદિ, અંત, મધ્ય હોય છે,
જે સત્ય હો તે તો સળંગ સત્ય હોય છે.
આંખો ઉઘાડી હોય ને દેખાય ના કશું,
આંખો કરું જો બંધ તો દૃશ્ય હોય છે.
ભીતર સુધી પ્હોંચી જવાનો માર્ગ છે કઠણ,
જાતે ચણેલી ભીંત ત્યાં, અસંખ્ય હોય છે.
રૂપનો જનાજો નીકળ્યો તો દીધી અરીસે કાંધ,
સગપણની આ ક્ષણોય કેવી ધન્ય હોય છે.
મૂઠીક સ્વપ્નો હોય તો હું ઉછેરી લઉં,
આ તો કુંવારી આંખમાં અસંખ્ય હોય છે.
આ તો ગઝલ છે એટલે ડૂમો વળી ઠલવાય છે,
બાકી જગતની વેદના અસહ્ય હોય છે.
– ધૂની માંડલિયા
2 Comments