Press "Enter" to skip to content

Category: અરુણ દેસાણી

દરિયો ભરાય મારી આંખમાં


દરિયાના પાણીની છાલક લાગે ને પછી દરિયો ભરાય મારી આંખમાં,
દરિયા જેવો હું પછી દરિયો થઈ જાઉં અને મોજાંઓ ઉછળે છે હાથમાં.

લીલ્લેરાં સપનાંઓ છીપલાં બનીને મારી આંખોની જાળ મહીં આવે,
ઊછળતાં મોજાંનાં ફીણ મારી કાયાને હળવેરા હાથે પસવારે,
ભાળે નહીં કોઈ એમ હલ્લેસાં સઘળાંયે ભીડી દઉં છું મારી બાથમાં.

ઘૂઘવતા સાગરના પાણીનો સંગ અને ઘૂઘવતા સાગરની માયા,
કાંઠાની સોનેરી રેતીનો રંગ અને સોનેરી રેતીની કાયા,
મારામાં ઊછળતો દરિયો વેરાય પછી ઊંબર-ફળી ને આખા ગામમાં.

– અરૂણ દેસાણી

Leave a Comment

નામ લખી દો


બે પ્રેમીઓ પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા એકમેકનું નામ હથેળી પર લખે છે અને પ્રેમના પ્રતીકરૂપે હૃદયનો આકાર ચીતરે છે, એ સહજ ચેષ્ટામાંથી કવિએ આ અનોખું ભાવજગત સર્જ્યું છે. એની એકે એક પંક્તિઓ વારેવારે ગાવાનું મન થાય એવી છે. આમ તો મેં આ કવિની અન્ય કોઈ કૃતિઓ વાંચી નથી પણ આ એક જ કૃતિ તેમની પ્રસંશા માટે પૂરતી છે. મનહર ઉધાસના મખમલી કંઠે માણો આ સુંદર ગઝલને.
[સ્વર : મનહર ઉધાસ, આલ્બમ: આકાર ]

*
હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામની સાથે સાથે સાજન, સરનામું પણ ખાસ લખી દો… હળવે હાથે

થોક થોક લોકોની વચ્ચે હવે નથી ગમતું મળવાનું,
ઢેલ સરીખું વળગું ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો… હળવે હાથે

એકલતાનું ઝેર ભરેલા વીંછી ડંખી લે એ પહેલા,
મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખી દો… હળવે હાથે

બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે,
નામ તમારું મારા નામની પાછળ ખુલ્લે આમ લખી દો… હળવે હાથે

– અરુણ દેસાણી

3 Comments