Press "Enter" to skip to content

Category: અનીલ જોષી

મારી કોઈ ડાળખીમાં


આ ગીત મારા પ્રિય ગીતોમાંનું એક છે. એક નિર્મોહીની ખુમારી અને ટટ્ટારીને આ રચના આબેહુબ રીતે વ્યક્ત કરે છે. જે ડાળખીને પાંદડા જ ન હોય એને પાનખરની શી બીક ? વળી રચનાને અંતે મુકાયેલ ‘બરફમાં ગોઠવેલું પાણી નથી, મને સૂરજની બીક ના બતાવ’ … અત્યંત મનનીય છે. પુરુષોત્તમભાઈ, જેમણે ગુજરાતી સંગીતને દેશવિદેશમાં ગુંજતું કર્યું, તેમના કંઠથી આ ગીત અમર બન્યું છે, આપણને વારંવાર વાગોળવાનું મન થાય એવું છે.
*
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

*
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા/શહીદ થવા (?) ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

– અનિલ જોષી

6 Comments