આમ તો એક વ્યક્તિની નજર અનેક વ્યક્તિઓને અનેકવાર મળી ચુકી હોય છે. પણ કોઈ એકાદના હૈયામાં જ એ કટારની માફક ભોંકાય જાય છે અને એવી ચોટ કરી જાય છે, કે સામેવાળી વ્યક્તિનું હૈયું ઘાયલ થઈ જાય છે. અંગ્રેજીમાં જેને Love at first sight કહેવામાં આવે છે તેનું અમૃત ઘાયલે કરેલ નક્કાશીભરેલ વર્ણન માણીએ મનહર ઉધાસના મખમલી કંઠે.
*
સ્વર- મનહર ઉધાસ, આલ્બમ – અમૃત
*
અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.
કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.
અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.
ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.
મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!
ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.
મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.
હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ઘાયલ,
અમારે વાત બે કરવી હતી પ્યારી, કરી લીધી.
– અમૃત ‘ઘાયલ’
2 Comments