Press "Enter" to skip to content

Category: આદિલ મન્સૂરી

મળે ન મળે


અમદાવાદને અલવિદા કહી અમેરિકા (ન્યૂજર્સી) સ્થાયી થવા જ્યારે આદિલ મન્સૂરી નીકળ્યા ત્યારે વતનની સ્મૃતિઓ એમના હૃદયને કોરી રહી. સાબરમતી નદીના રેતીના પટમાં રમતું નગર, એ ઘર-ગલી અને રસ્તાઓ, વરસો જૂના લાગણીના ભીના સંબંધે બંધાયેલ પરિચિતોના હસતા ચહેરાઓ, વિદાય વખતે ટોળે વળેલ મિત્રો અને સ્વજનોને છેલ્લી વખત જોઈ લેવાનો, પછી કદાચ કદીપણ જોવા ન મળવાની સંભાવના અને ગુપ્ત વસવસો, શબ્દના રૂપમાં ફૂટ્યો અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરતો ગયો. આખરી પંક્તિઓમાં વતનની ધૂળ સાથેની પ્રગાઢ માયા, એના જ અંકે આખરી શ્વાસ લેવાની ઊંડી મનીષાનો પડઘો વાચકના હૃદયને પણ ભીંજવી જાય છે. માણો ગુજરાતી સાહિત્યની અમર કૃતિઓમાં સ્થાન પામનાર આ સંવેદનશીલ ગઝલ બે સ્વરોમાં.
*
સ્વર – પુરુષોત્તમ ઉપાધ્યાય

*
સ્વર – મનહર ઉધાસ

*
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

– આદિલ મન્સૂરી

9 Comments

આપનું મુખ જોઈ


આજે આદિલ મન્સૂરીની એક સુંદર ગઝલ મનહર ઉધાસના સ્વરમાં.
*

*
દિલને ગમતીલો ઘાવ ત્યાં ઘેરો ન મળ્યો
માત્ર એકાંત મળ્યું, કોઈ ઉમેરો ન મળ્યો
આપણા યુગનું આ કમભાગ્ય છે કેવું ભારે
કે ગયા ચાંદ સુધી ને કોઈ ચહેરો ન મળ્યો.
*
આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

– ‘આદિલ’ મન્સૂરી

3 Comments

સિક્કો ખોટો નીકળ્યો


આદિલ મન્સૂરીની પ્રસ્તુત ગઝલમાં ઘણી સુંદર વાત રજૂ થઈ છે. જીવનભર જે સંબંધોને આપણે સાચવવા મથીએ છીએ એ બધાં જ અંતિમ શ્વાસ આવતાં તકલાદી નીવડે છે. જીવે એ સૌને છોડીને ચાલી નીકળવું પડે છે. એવી જ રીતે ઈચ્છાઓના મૃગજળ પાછળ દોડતા રહીએ છીએ પરંતુ એ માયાજાળમાં રહ્યા પછી પણ હાથ કાંઈ આવતું નથી અને ઈચ્છાઓની તૃપ્તિ થતી નથી. એ તરસ તો ચાલુ જ રહે છે. ભર્તૃહરિના વૈરાગ્યશતકમાં કહ્યા પ્રમાણે ભોગોને ભોગવવા જતા આપણે જ ભોગવાઈ જઈએ છીએ અને કાળ આપણો કોળિયા કરી જાય છે. એવી જ સુંદર વાત રજૂ કરતી આ અર્થસભર ગઝલ આજે માણીએ.

માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો
માર્ગ સૌ અટકી ગયા ત્યાં કેવો રસ્તો નીકળ્યો

પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા,
બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો.

માટીથી મુક્તિ મળ્યે અવકાશમાં ફરશું હવે
ઘર ગયું, સારું થયું, પગમાંથી કાંટો નીકળ્યો.

રાતભર વાતાવરણમાં આયના ચમક્યા કર્યા
કે સ્મૃતિનાં જંગલોમાંથી કોઈ ચહેરો નીકળ્યો.

એવો લપટાઈ રહ્યો’તો જીવ માયાજાળમાં
પાણીમાં જીવન ગયું ને અંતે તરસ્યો નીકળ્યો.

જેને આદિલ જિંદગીભર સાચવી રાખ્યો હતો
આખરે જોયું તો તે સિક્કોય ખોટો નીકળ્યો.

– આદિલ મન્સૂરી

2 Comments

એકબીજાના હતા


પ્રણયના મધુરા દિવસોની સ્મૃતિ કરાવતી અદી મિર્ઝાની રચના.
*
સ્વર: મનહર ઉધાસ; આલ્બમ: આવાઝ

*
કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવનમાં એકબીજાના હતા.

મંદીરો ને મસ્જીદોમાં જીવ ક્યાંથી લાગતે,
રસ્તે રસ્તે જ્યાં સફરમાં એના મયખાના હતા.

આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કહેવું હતું, શું આપ કહેવાના હતા.

કેટલું સમજાવશે એ લોકને તું પણ “અદી”
તારા પોતાના તને ક્યાંથી સમજવાના હતા.

– અદી મિર્ઝા

3 Comments

અધૂરી હોય છે

આમ તો હરદમ હજૂરી હોય છે,
આપણાં મનમાં જ દૂરી હોય છે.

મૌનની સરહદ વટાવી જાવ તો,
શબ્દ સઘળા બિનજરૂરી હોય છે.

ને પછી ઊગે છે સૂરજ આંગણે,
પહેલાં તારી યાદ સ્ફુરી હોય છે.

ધોમધમખતા રણ વિશે ચિંતા ન કર,
રણની વચ્ચે પણ ખજૂરી હોય છે.

દૂર બેઠા યાદ આવે છે સતત,
પાન પણ કેવાં કપૂરી હોય છે.

એક પણ ઇચ્છા પૂરી ના થૈ શકી,
હર ગઝલ ‘આદિલ’ અધૂરી હોય છે.

– આદિલ મન્સૂરી

4 Comments

આદિલ મન્સૂરી


લગભગ છેલ્લા પાંચ દાયકાથી ગુજરાતી સાહિત્યને પોતાની ગઝલો, નાટકો અને અછાંદસ કાવ્યો દ્વારા નવી રોશની પ્રદાન કરનાર આદિલ મન્સૂરી સાહેબનું 72 વર્ષની વયે ગઈકાલે ન્યૂજર્સીમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું. ‘મળે ન મળે’, ‘ગઝલના આયનાઘરમાં’, ‘પેન્સીલની કબરમાં’ જેવા ગ્રંથોના સર્જક આદિલભાઈ એક સુંદર કેલિયાગ્રાફર પણ હતા તે બહુ ઓછાને ખબર હશે. અમદાવાદને ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ કહી સલામ કરી ન્યૂજર્સી સ્થાયી થનાર આદિલભાઈ પોતાની પાછળ પત્ની, પુત્રો અને પૌત્રોની સ્થૂળ યાદો ઉપરાંત ગુજરાતી સાહિત્યની ક્ષિતિજ પર પોતાની ઝળહળતી રચનાઓ મૂકી ગયા છે. આજે એમની કૃતિઓ વડે એમને શબ્દોની શ્રદ્ધાંજલિ અર્પીએ. આદિલ મન્સૂરી વિશે વધુ માહિતી માટે અહીં જુઓ.

દિલમાં કોઈની યાદના પગલાં રહી ગયાં,
ઝાકળ ઉડી ગયું અને ડાઘાં રહી ગયાં.
*
સમય સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.
*
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
*
હું ક્યાં કહું છું કે મદિરા જ વધારી આપો,
જિંદગીભર જે રહે એવી ખુમારી આપો.

ખ્વાબમાંયે કદી આદિલને દર્શન દઈને
એની ગઝલોના બધા શેર મઠારી આપો.
*
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
*
સામાં મળે તો કેમ છો યે પૂછતાં નથી,
એકાંતમાં જે મારી ગઝલ ગણગણ્યાં કરે.
*
જ્યારે મોસમ ખૂબ ટફ થઈ જાય છે,
ત્યારે આંસુનું ટીપું બરફ થઈ જાય છે.
*
 ઉંઘવાનું કબરમાં છે આદિલ,
જિંદગીભર તો જાગરણ ચાલે.

4 Comments