Press "Enter" to skip to content

Category: અદી મિરઝા

શું માગશે ?

મહાન વ્યક્તિઓ એટલી ઉંચાઈએ પહોંચી જાય કે પછી સામાન્ય માણસો એને સ્પર્શી શકે એવું રહેતું નથી.  ઈશ્વર અને ઈશ્વરીય અનુભવ કરી આધ્યાત્મિક બુલંદીએ પહોંચેલા વ્યક્તિઓ માટે પણ એ એટલું જ સાચું છે. નિજાનંદમાં મસ્ત હોવાથી જનસાધારણ સાથેનો એમનો સંપર્ક છૂટતો જાય છે. અહીં પ્રસ્તુત થયેલ ગમતો શેર … તું અમારો છે તો ધરતીના ખુદા, તું અમારા જેવો ક્યારે લાગશે ? સુંદર વાત કહી જાય છે.

તું જો આજે મારી સાથે જાગશે
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !

કોણ તારી વાત સાંભળશે, હૃદય !
એક પથ્થર કોને કોને વાગશે?

તું અમારો છે તો ધરતીના ખુદા !
તું અમારા જેવો ક્યારે લાગશે ?

જિંદગી, તું આટલી નિર્દય હશે?
તું મને શું એક પળમાં ત્યાગશે?

હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે!

એણે માગી છે દુવા તારી ‘અદી’
તું ખુદા પાસે હવે શું માગશે ?!!

– અદી મિરઝા

1 Comment

વરસાદમાં…


ગુજરાતની ધરતીને વરસાદે વ્હાલથી નવડાવી દીધી એ સાંભળીને વરસતા વરસાદમાં પલળવાના ને ફરજિયાત ન્હાવાના દિવસો યાદ આવી ગયાં. વરસાદમાં ન્હાતાં પ્રેમભીના હૈયાને કોઈકના આવવાનો ઈંતજાર હોય છે અને એ નહીં આવે એવી ખબર પડતાં .. વરસતા વરસાદે પણ દિલમાં આગ લાગી જાય. સરળ સીધા શબ્દોથી સુંદર ભાવોની અભિવ્યક્તિને સાંભળો અનુરાધા પૌંડવાલ અને મનહર ઉધાસના કંઠે.
*
[આલ્બમ: આભૂષણ, સ્વર- અનુરાધા પૌંડવાલ અને મનહર ઉધાસ]

*
એ નહીં આવે કદી વરસાદમાં
આગ લાગી ગઈ સખી વરસાદમાં.

કોની સાથે જઈને ભીંજાવું હવે,
સાવ સૂની છે ગલી વરસાદમાં.

એક દુઆ માંગી કોઈએ રાતભર,
એક ગઝલ મેં પણ લખી વરસાદમાં.

દુઃખની રાતોમાં કોઈ મળતું નથી,
ક્યાં મળે છે ચાંદની વરસાદમાં.

છે તગઝ્ઝુલ રંગનો વૈભવ ‘અદી’
શાયરી દુલ્હન બની વરસાદમાં.

– અદી મિરઝા

( * તગઝ્ઝુલ – ગઝલનો રંગ )

4 Comments

સાચવીને રાખજો


પ્રેમમાં પડનાર બધા ખુશનસીબ નથી હોતા. ઘણાંને સંબંધોમાંથી છળ, વિશ્વાસઘાત કે દર્દ મળે છે. એથી જ દરેક પ્રેમી એવી આશા રાખે કે એનો પ્રેમ સદાય ફુલો જેવો તાજગીસભર રહે, એનું પ્રિય પાત્ર એના હૃદયની લાગણીઓને સમજે, સાચવે અને સંભાળે, એને ઠેસ ના પહોંચાડે. એવા જ ભાવથી ભરેલ અદી મિરઝાની એક સુંદર ગઝલ, જેને મનહર ઉધાસનો મખમલી કંઠ મળ્યો છે તે રજૂ કરું છું.
*
સ્વરઃ મનહર ઉધાસ

*
પ્રેમના પુષ્પો ભરીને રાખજો,
દિલ દીધું છે, સાચવીને રાખજો.

દુઃખના દિવસોમાં એ કામ આવી જશે,
એક ગઝલ મારી લખીને રાખજો.

રાત છે એના મિલનની દોસ્તો,
સાંજથી તારા ગણીને રાખજો.

દિલના કોઈ એકાદ ખૂણામાં ‘અદી’
નામ એનું કોતરીને રાખજો.

– અદી મિરઝા

3 Comments