પુષ્ટિમાર્ગી વૈષ્ણવોનું સૌથી મનગમતું ગીત …જે એટલું સુંદર અને મધુર છે કે કોઈને પણ વારંવાર સાંભળવું ગમે. ગીત સાંભળી નાથદ્વારામાં દર્શન કરેલ શ્રીનાથજીની મૂર્તિ મન સામે ખડી થઈ જાય છે. માણો ભક્તિરસમાં તરબોળ કરતું આ પદ.
*
*
સ્વર – દેવેશ દવે, આલ્બમ- હરિનામ
*
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીનાં વન
મારા પ્રાણ જીવન….મારા ઘટમાં.
મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી
મારી આંખો દીસે ગિરિધારી રે ધારી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મુરારિ…..મારા ઘટમાં.
હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન…..મારા ઘટમાં.
હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું … મારા ઘટમાં.
મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો … મારા ઘટમાં.
આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે
વારે વારે માનવદેહ ફરી ન મળે
ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે
મને મોહન મળે … મારા ઘટમાં.
મારી અંત સમય કેરી સુણો રે અરજી
લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે … મારા ઘટમાં.