શબ્દોના જાદુગર, છ અક્ષરનું નામ, લાગણીથી છલકાતા કવિ શ્રી રમેશ પારેખની આ અત્યંત લોકપ્રિય કૃતિ છે. પોતાના પ્રિયતમ વિશે કાંઈ પણ કહીએ તો તે ઓછું પડે. પણ કવિએ ટુંકાણમાં ‘ખોબો માગું તો ધરી દે દરિયો’ કહીને એને એટલી સહજ અને સરસ રીતે રજૂ કર્યું છે કે વાત નહીં. શબ્દ સાથે સૂરના સુભગ સમન્વયથી આ કૃતિ અત્યંત આહલાદક બની છે. આ રચના મારી મનગમતી કૃતિઓમાંની એક છે. આશા રાખું કે એ આપને ગમશે.
*
સ્વર: સોનાલી બાજપાઈ; આલ્બમ: તારી આંખનો અફીણી
*
સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !
જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !
કોઈ પૂછે કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું
આંખ ફડકી ઉજાગરાથી રાતી
ઝીણા ધબકારે ફાટફાટ છાતી
છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો
કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો
– રમેશ પારેખ
12 Comments