Press "Enter" to skip to content

Tag: sant punit

માબાપને ભૂલશો નહીં


કહેવાય છે ઈશ્વર પોતે બધે સાકાર રૂપ લઈને પ્રકટ નથી થઈ શકતો એથી માતાપિતાનું રૂપ ધારીને આપણી પાસે આવે છે. જગતમાં બીજા બધા દેવોને ન પૂજો, ન સન્માનો પણ માતા-પિતા એવા પ્રત્યક્ષ દેવ છે જેને રાજી રાખવા એ દરેક માનવનું પ્રથમ કર્તવ્ય છે. સાંપ્રત સમાજમાં ઘણીવાર એવા દુઃખદ પ્રસંગો જોવા મળે છે જ્યારે સંતાનો માતા-પિતાની સ્થિતિ દયનીય કરી મૂકે છે, એમને દર દરની ઠોકરો ખાવી પડે છે ત્યારે એમને કહેવાનું મન થાય છે કે ….
*
આલ્બમ- પ્રાર્થનાપોથી, પ્રકાશક –સૂરમંદિર

*
સ્વર- શૈલન્દ્ર ભારતી

*
સ્વર- દેવેશ દવે, આલ્બમ- હરિનામ

*
ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહી
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી

અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનના કાળજાં, પથ્થર બની છૂંદશો નહી

કાઢી મુખેથી કાળિયા, મોંમા દઈ મોટા કર્યા
અમૃત તણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહી

લાખો લડાવ્યા લાડ તમને, કોડ સહુ પુરા કર્યા
એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહી

લાખો કમાતા હો ભલે, માબાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહી

સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહી

ભીને સૂઈ પોતે અને સૂકે સૂવાડ્યા આપને
એની અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહી

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહી

ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહી
એનાં પુનિત ચરણો તણી, કદી ચાહના ભૂલશો નહી.

– સંત પુનિત

15 Comments