Press "Enter" to skip to content

Tag: સ્વરચિત

મુલાકાત


કેટલીક પળો જીવનની યાદગાર પળો હોય છે. એ જીવનને નવો વળાંક આપે છે, પરિવર્તનની દિશા ચીંધે છે. કેટલીક મુલાકાતો પણ એવી જ ચિરસ્મરણીય હોય છે, એને વારંવાર મમળાવવી ગમે છે, એની સ્મૃતિ જીવવાનું બળ પૂરું પાડે છે. વિખૂટાં પડવું અને મળવું જીવનની વાસ્તવિકતા છે, એનો સ્વીકાર કરી વિરહની પીડા અને ભાવિ મિલનની કલ્પના – બંનેથી આંખ ભીંજાય છે, એ અંતિમ પંક્તિમાં વ્યક્ત થયું છે.
*

*
તમારા સ્મરણની બે પળ જ વીતી,
ત્યાં સમય તો કહે અર્ધી રાત ગઈ !

પ્રવાહોથી દૂર, સમયના કિનારે,
અવિનાશી એવી મુલાકાત થઈ.

ઘણાં શ્વાસ લીધા વિરહમાં તમારા,
મઝા માણી મિલનની એકશ્વાસ થઈ.

તમારા જ સ્પર્શે આ વેરાન રણમાં,
ઝરણાંના વહેવાની શરૂઆત થઈ.

વિદાયની વેળાએ સંભાળ્યા છતાં,
પલકને કિનારે ભીની આંખ થઈ.

કોને કહું કે વિરહની સાથે,
મિલનની નજીક એક પળ તો ગઈ !

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments