શાસ્ત્રોના વચનો અને સંતોની અનુભવવાણી એ વાતની સાક્ષી પૂરે છે કે જો સાધક ખરા હૃદયથી પ્રભુને પોકારે તો પ્રભુ જરૂર પ્રગટ થાય. પણ મારી-તમારી સાથે ખરેખર આવું બની શકે ? અને કદાચ એમ બને તો કેવું ભાવજગત સર્જાય … શું માગવાની ઈચ્છા થાય તેનો આસ્વાદ આ ભજનમાંથી મળે છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સંત પૂ. શ્રી મોટાના મૌનમંદિરના નિવાસ દરમ્યાન એકાંતિક પળોમાં મા સર્વેશ્વરી દ્વારા રચાયેલ આ પદને માણો પુષ્પા છાયાના સ્વરમાં.
*
સ્વર- પુષ્પા છાયા, સંગીત: ઉપેન્દ્ર ત્રિવેદી
*
બંધ બારણે ટકોરા મારે તો
શ્યામ તને સાચો ગણું …
બારણાં ઉઘાડી આવે જો અંદર
બેસે જો મારી પાસે….તો શ્યામ તને સાચો ગણું
રાહ જોઇને થાકી નથી હું
આવજે જરૂરથી આજે…તો શ્યામ તને સાચો ગણું
પોકાર મારો સાંભળીને સાચે
દોડી આવે મારી પાસે….તો શ્યામ તને સાચો ગણું
માવડી બનીને હીંચકે બેસે
ખોળે મુકાવે માથું….તો શ્યામ તને સાચો ગણું
પાપી જીવને પાવન કરવા
માનવ રૂપે પધારે…તો શ્યામ તને સાચો ગણું
ધન વૈભવ કે સિદ્ધિ ના માગું
દર્શન આપે પ્રભુ તારું…તો શ્યામ તને સાચો ગણું
– મા સર્વેશ્વરી (સૌજન્ય: સ્વર્ગારોહણ)
4 Comments