પહેલી જુલાઈ મારો જન્મદિવસ. આયુષ્યની ડાળખી પરથી એક પર્ણ ખરી પડ્યું. કદાચ આખું વૃક્ષ ધરાશયી થવાનું હતું પણ ઈશ્વરે બચાવીને તક આપી. એથી આજે અનેક શુભ ભાવનાઓ, ઋણસ્વીકાર અને કૃતજ્ઞતાના ભાવથી હૃદય ભરાઈ ગયું છે. શું લખું એમ વિચારતી હતી ત્યાં થયું કે પરમ સમીપે (કુંદનિકા કાપડીયા) માં લખેલી જન્મદિવસની પ્રાર્થના જ મૂકવા દે. એમાં ઘણા ઉત્તમ ભાવો રજૂ થયેલા છે. આશા છે આપને પણ એ ગમશે.
આમ તો દરેક દિવસ એ, ભગવાન!
તમે આપેલી તાજી ભેટ છે.
જાગ્રત માણસ માટે દરેક દિવસ નવી શરૂઆત બની શકે
પણ ભગવાન, આજે મારો જન્મદિવસ છે.
અને એટલે આજનો દીવસ
વિશેષ પ્રાર્થનાઓ, વિશેષ જાગૃતિ, વિશેષ સંકલ્પનો દિવસ છે.
આજના દીવસે, ભગવાન! હું
ધન, માન, કિર્તિ અને આરોગ્ય નથી માગતો
પણ આ બધું મને મળે
તો એનો ઉપયોગ હું સહુના કલ્યાણ અર્થે કરી શકું
એવો સર્વ પ્રત્યેનો મૈત્રીભાવ માગું છું.
આજના દીવસે, ભગવાન! હું એમ નથી માગતો કે
મારો રસ્તો સરળ બને, મારાં કાર્યો નિર્વિઘ્ને પાર પડે
પણ એમ બને, તો એ સફળતા મને કૃતજ્ઞ બનાવે
અને એમ ન બને, તો એ નિષ્ફળતા મને નમ્ર બનાવે
એ હું માગું છું.
દરેક દિવસે હું એક પગથિયું ઊંચો ચડું
દરેક પગલે હું થોડોક વધુ તમારી નિકટ આવું
રોજ રોજ, કોઈક સત્કર્મથી મારા હ્રદયમાં રહેલા તમને વ્યક્ત કરું
દુનિયાને મારા થકી થોડી વધુ સુંદર બનાવું
દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે
આગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ બન્યું છે એમ કહી શકું
– એ હું માગું છું.
આ દુનિયામાં તમે મને જન્મ આપ્યો છે
તે માટે હું તમારો આભાર માનું છું.
હું એવું હ્રદય માગું છું, જે આ દુનિયાને
તમારે માટે ચાહી શકે.
આ સૃષ્ટિ તમે આનંદ વડે આનંદ માટે સર્જી છે
એને હું મારા સ્વાર્થ અને બેકાળજીથી ક્ષતિ ન પહોંચાડું
મૂગાં પ્રાણિઓ અને મધુર વનસ્પતિ – સૃષ્ટિને ચાહું
હવા, પાણી અને ભૂમિને દૂષિત ન કરું
એક એક જન્મદિવસ આવે છે, એક એક વર્ષ જીવનમાં ઉમેરાય છે
એ મને યાદ આવે છે કે સમય કેટલી ઝડપથી વહી રહ્યો છે.
દરેક ક્ષણ મુલ્યવાન છે, અંત ક્યારે આવશે તેની ખબર નથી
આવતી કાલે કદાચ હું ન પણ હોઉં
તેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરું
દરેક દિવસે મારો નવો જન્મ થાય છે તેમ માનું
અને પ્રત્યેક દિવસે વિદાય લેવા
મારા જીવનની ચાદર ઉજળી રાખીને તમને ધરી દેવા તત્પર રહું
આજે, મારા જન્મદિવસે, ભગવાન!
એ હું તમારી પાસે માગું છું.
– કુંદનિકા કાપડીયા કૃત ‘પરમ સમીપે’ માંથી સાભાર
7 Comments