કૈલાસ પંડીતની સુંદર રચના. કહેવાતી ‘હા’ થી નીકળે ‘ના’ નો ભાવમાં માનવ સ્વભાવની વાસ્તવિકતા કેટલી સાહજિકતાથી પ્રકટ થઈ છે. કવિને લાગણીઓથી વળગેલા રહીને ભૂતકાળમાં જીવવું નથી એથી કહે છે કે તારું સ્મરણ અને તેના પરિણામ સ્વરૂપ ઉભરતી વ્યથા એક હદ સુધી સારી છે, પણ મારે કાયમને માટે એ યાદોમાં અટકી નથી જવું, એ યાદ કરી કરીને આંસુ સારવા નથી. સાચું જ છે કે કોઈના વગર જિંદગી અટકતી નથી. વાસ્તવિકતાની ધરતી પર માણસે વહેલામોડાં પછડાવું જ પડે છે.
ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,
ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ.
કહેવાતી ‘હા’ થી નીકળે ‘ના’ નો યે ભાવ પણ,
માણસની સાથે હોય છે, એનો સ્વભાવ પણ.
કેડી હતી ત્યાં ઘાસ ને ઉગ્યાં છે ઝાંખરા,
પુરાઈ ગઈ છે ગામના પાદરની વાવ પણ.
ભીનાશ કોરી ખૂંપશે પાનીમાં કો’ક દિ
ક્યારેક યાદ આવશે તમને તળાવ પણ.
તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી,
આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ.
– કૈલાસ પંડીત
2 Comments