Press "Enter" to skip to content

Tag: જગજીત

બસ એટલી સમજ


આપણે સુખને શોધીએ છીએ, એની પાછળ દોટ મૂકીએ છીએ, પણ ક્યારેક વિચારતા નથી કે આપણને ઈશ્વરે કેટલું બધું આપેલું છે. અને જો એ આપેલું હોય તો જેની પાસે એ નથી એનો વિચાર નથી કરતા. મરીઝની આ પંક્તિઓમાં દુનિયાભરના દુઃખનો ઈલાજ મળી જાય છે. પથ્થરોના ભાર તો ઉંચકી લીધા અમે, અમને નમાવવા હોય તો ફુલોના ભાર દે … ઘણું બધું કહી જાય છે. અને છેલ્લે .. કાબિલે-તારીફ પંક્તિઓ .. જન્મથી માંડીને આપણે કેટકેટલા લોકોના ઉપકારોમાં દબાયેલા છે. એવા ઉપકારો કે જેને પૈસાથી નથી ચુકાવી શકાતા. એને માટે તો અલ્લાહ પાસેથી ઉધાર જ માંગવું પડે. વાહ, મરીઝ સાહેબ. કહેવું પડે.
*
સ્વર : જગજીતસિંઘ

*
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.

તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.

આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

– મરીઝ

5 Comments