Press "Enter" to skip to content

Tag: ધૂની માંડલિયા

ક્યારેક તો

[ આપણે સહુ જાણીએ છીએ કે વીતેલો સમય કદી પાછો આવતો નથી, પરંતુ કવિ કોનું નામ ? એ કલ્પનાના ગગનમાં વિહરે છે, શક્યતાનું દ્વાર એણે બંધ નથી કરવું.  લક્ષ્યની પાછળ દોટ મૂકનાર માનવી પણ એવી આશાને સહારે જ જીવતો હોય છે કે ક્યારેક તો એની તલાશ પૂરી થશે, પછી ભલેને એને માટે સમયનું ચક્ર ઉલટું ફેરવવું પડે. બાણથી પંખી હણાય છે પણ કવિનો કલ્પનાવૈભવ તો જુઓ ! એ વિચારે છે કે ભાથામાં કેદ પડેલા બાણને એણે આઝાદી અપાવી … વિચારોના નાવિન્યથી ઓપતી આ ગઝલનો આસ્વાદ માણો. ]

જે સમય ચાલ્યો ગયો એ આવશે ક્યારેક તો,
એ ગલી, એ ઘર, મને બોલાવશે ક્યારેક તો.

એક પડછાયો સતત એવું વિચારી દોડતો,
આ જ રસ્તે ભીંત એની આવશે ક્યારેક તો.

જાત હોમીનેય પંખી કામડીની કેદથી,
બાણ જેવા બાણને છોડાવશે ક્યારેક તો.

એ જ આશા પર નિરંતર રણ હજી જીવ્યે જતું,
માછલીને ઝાંઝવામાં ફાવશે ક્યારેક તો.

વૃક્ષ કેવળ ફળ તને બેસે જ એવું કંઈ નથી,
છાંયડો પણ બીજ એનું વાવશે ક્યારેક તો.

એમ સમજી હું સમયની બંધ મુઠ્ઠી રાખતો,
કોઈ આવી આંગળી ખોલાવશે ક્યારેક તો.

– ધૂની માંડલીયા
 

2 Comments