કૃષ્ણ દવેનો પરિચય આપવાનો ન હોય. જેમ સમય મોર્ડન છે, તેમ સાહિત્ય પણ મોર્ડન થવું જોઈએ, રચનાઓ સમયની સાથે તાલ મેળવે એવી થવી જોઈએ એમ માનનારા કૃષ્ણ દવે એમની અનેકવિધ અછાંદસ રચનાઓ માટે પ્રસિદ્ધ થયા છે. માણો અહીં એમની કૃતિ જેમાં માણસ બધી જ વાતમાં ધંધાકીય દૃષ્ટિકોણ અપનાવીને બધી જ વસ્તુઓને બીઝનેસ બનાવી દે છે એની પર કટાક્ષ રજૂ થયો છે.
*
પતંગીયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.
અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
સંબંધોની ફાઇલ રાખીને ચહેરા પર સ્માઇલ રાખીને,
લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
શબ્દ, શબ્દને વાટી વાટી, અર્થોનું કેમીકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.
કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માંગો તે ટહૂકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
ચક્મક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતા હસતા
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા ચન્દ્ર ગણાવી,
વાદળ ફુટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.
– કૃષ્ણ દવે
6 Comments