Press "Enter" to skip to content

Tag: audio

હુ તુ તુ તુ


સિદ્ધ પિતા અવિનાશ વ્યાસના પ્રસિદ્ધ પુત્ર ગૌરાંગ વ્યાસે આ ગીતને સ્વર અને સંગીત આપ્યું છે. એક રીતે જોઈએ તો આ કદાચ ગુજરાતી ભાષાનું સૌપ્રથમ રેપ કક્ષાનું સોંગ કહી શકાય. જે લય, તાલ અને શબ્દો આ ગીતમાં મૂકવામાં આવ્યા છે તે કાબિલે તારીફ છે. એક વાર સાંભળવાથી સંતોષ ન થાય અને વારંવાર સાંભળ્યા કરવાનું મન થાય એવું આ ગીત આજે સાંભળો.
*
Avinash Vyas

*
Aishwarya-Bhumik

*
હુતુતુતુ હુતુતુતુ હુતુતુતુ
જામી રમતની ઋતુ (2)
આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ તુ તુ તુ

તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ હુ તુ તુ તુ
પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ હુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
ખમીર થી ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
હોય જગ જાગતું કે હોય સૂતું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢૂંઢે
ધનની પાછળ ધન દોડતું પ્રપંચ ખેલી ઊંડે
જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લૂંટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

ભેરુનો દેખાવ કરીને ખેલ ખેલતાં ઊંચે શ્વાસે
પર ને કેમ પરાજિત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
ખાકનાં ખિલોના રમે સાચું અને જૂઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

– અવિનાશ વ્યાસ

13 Comments

રૂપલે મઢી છે


ગુજરાતી ફિલ્મોના યાદગાર ગીતોની ગણના કરવી હોય તો આ ગીતનો સમાવેશ કરવો જ પડે. સ્વર કિન્નરી લતા મંગેશકરના મોહક અવાજમાં કંડારાયેલ આ સુંદર ગીત વારંવાર સાંભળવા છતાં મન નહીં ધરાય.
ફિલ્મઃ રૂપલે મઢી છે સારી રાત (૧૯૬૮)
*
ગીતકારઃ હરીન્દ્ર; સંગીતકારઃ દિલીપ ધોળકિયા; સ્વરઃ લતા મંગેશકર

*
સ્વર – ઐશ્વર્યા મજમૂદાર

*
રૂપલે મઢી છે સારી રાત રે સજન,
એનુ ઢુંકડૂં ન હોજો પ્રભાત
સૂરજ ને કોઇ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત.. રૂપલે મઢી છે

વેળા આવી તો જરા વેણ નાખું વાલમા,
એક જરા મોંઘેરું કહેણ નાખું વાલમા,
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર..દૂર દૂર..
એને મોરલીની શું રે કરું વાત રે.. રૂપલે મઢી છે

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવા રે મહોબ્બતનાં તાણ જરા જોઈ લઉં,
મહારા કિનારા રહો દૂર નિત દૂર દૂર..દૂર દૂર..
રહો મઝધારે મ્હારી મુલાકાત રે.. રૂપલે મઢી છે

2 Comments

વાંસલડી.કોમ


આજે વિશ્વ આખું ડોટ કોમ થઈ ગયું છે, ઈન્ટરનેટ વડે જોડાયેલું છે, એવા સમયે આપણા સૌના એડમીન – નિયંતા એવા શ્રીકૃષ્ણને કેમ ભૂલાય ? એથી જ આધુનિક સમયના અને આધુનિક વિચારોવાળા કવિ કૃષ્ણ દવે ભગવાન કૃષ્ણની વ્યાપકતાનો વિચાર કરી કહી ઉઠે છે કે કાનજીની વેબસાઈટ બનાવવા જઉં તો કેટકેટલા નામ ઓછા પડે … માણો આ મધુરું ગીત બે અલગ સ્વરોમાં.
*
Hemal & Aalap Desai

*
Shyamal Saumil

*
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઇટ..

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઇટ..

એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઇટ..

– કૃષ્ણ દવે

7 Comments

ૐ તત્સત્


[આલ્બમ : પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર ]
*

*
ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું,
બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું … ૐ તત્સત્

રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું,
વાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ-લિંગ શિવ તું … ૐ તત્સત્

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું … ૐ તત્સત્

– વિનોબા ભાવે

6 Comments

નયનને બંધ રાખીને


સ્થૂળ સૌંદર્ય કરતાં આંતરિક સૌંદર્ય અનેક ગણું ચઢિયાતું હોય છે અને એને જોવા માટે સ્થૂલ દૃષ્ટિની જરૂર નથી પડતી. એને માટે તો આંખો બંધ કરી અંદર નજર માંડવી પડે છે. એને બીજી રીતે પણ મૂલવી શકાય કે આંખે જે દેખાય છે તે હંમેશા સાચું હોતું નથી. એને બુદ્ધિથી, તર્કથી કે અનુભવથી ચકાસી જોવાની જરૂર છે. બંધ આંખનો અર્થ મનની આંખથી જોવાનો છે. મનહર ઉધાસના સ્વરમાં ગવાયેલ આ ગઝલ ખૂબ લોકપ્રિય બની છે.
*

*
અશ્રુ વિરહની રાતના ખાળી શક્યો નહિ,
પાછાં નયનનાં નૂરને વાળી શક્યો નહિ,
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇને,
એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહિ,

નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયાં છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે

ઋતુ એક જ હતી પણ રંગ ન્હોતો આપણો એક જ
મને સહરાએ જોયો છે બહારે તમને જોયા છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ,
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયાં છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
ખૂલી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયાં છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..

નહીંતર આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..

– બરકત વીરાણી ‘બેફામ’

23 Comments