હરિન્દ્ર દવેની આ મારી મનગમતી કૃતિ છે. કદાચ એમની આ સૌથી શ્રેષ્ઠ કૃતિ છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ઘણી કાવ્યપંક્તિઓ લોકોના મોંઢે ચઢી જાય, આ એમાંની એક છે. ચાલો માણીએ ગુજરાતી સાહિત્યના ઘરેણાં સમી આ કૃતિ.
*
સ્વર – હંસા દવે
*
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રહ્માંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.
– હરિન્દ્ર દવે
18 Comments