Press "Enter" to skip to content

Tag: સૈફ પાલનપુરી

ફૂલ કેરા સ્પર્શથી


આપણે ગુજરાતીમાં કહેવત છે કે ‘દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ’. જ્યારે વ્યક્તિને સંબંધોમાંથી દર્દ મળે, ઉઝરડા થાય ત્યારે તે બધા તરફ જ શંકાની નજરે જોવા માંડે, એનો પ્રેમ પરથી, સંબંધ પરથી વિશ્વાસ જ ઉઠી જાય. અહીં સૈફ એવા જ કોઈ દર્દને યાદ કરે છે. ગઝલની છેલ્લી બે પંક્તિઓ મારી મનગમતી છે..આદતથી મજબૂર, એક રૂઢિ કે પ્રણાલિમાં બંધાઈને ગઝલો લખાય કે ગવાય પણ એ પ્રમાણે જીવવું અતિ દોહ્યલું છે. જીવન અને કવન વચ્ચેના વિરોધાભાસનો સ્વીકાર કોઈ સૈફ જેવો જીંદાદિલ શાયર જ કરી શકે.
*
સ્વર – મનહર ઉધાસ

*
ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે
અને રૂઝાયેલાં ઝખમ પણ યાદ આવી જાય છે

કેટલો નજદીક છે આ દૂરનો સબંધ પણ
હું હસું છું એકલો એ એકલા શરમાય છે

કોઈ જીવનમાં મરેલા માનવીને પૂછજો,
એક મૃત્યુ કેટલા મૃત્યુ નભાવી જાય છે.

આ વિરહની રાત છે, તારીખનું પાનું નથી
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે

એક પ્રણાલીકા નિભાવું છું લખું છું ‘સૈફ’ હું
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં હવે જીવાય છે ?

– સૈફ પાલનપુરી

2 Comments

પલટાવી ગયા


સૈફ પાલનપુરીની એક રચના મનહર ઉધાસના સ્વરમાં.

*
છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા ?

– ‘સૈફ’ પાલનપુરી

2 Comments