મૌનની અગત્યતા વિશે ઘણું ઘણું લખાયું છે. એમ પણ કહેવાયું છે કે ગુરૂનું મૌન શિષ્યને માટે વ્યાખ્યાનની ગરજ સારે છે. હા, જીવનમાં ક્યારેક એવી પળો આવે જ્યારે મૌન ઈલાજ બને, ઉત્તર બને (કે ઉપેક્ષા બને) અને ધાર્યું કામ આપે. ઈશ્વરે આપેલી વાણીની બક્ષિસને ઉચિત રીતે વાપરીએ એમાં વૈખરીનો વૈભવ છે પણ મૌન જ્યારે પ્રિયતમના હોઠ પર જઈને જડાઈ જાય તો પ્રેમીનું હૃદય એક વણકથ્યા ઉકળાટ અને ગુંગણામણનો અહેસાસ કરે છે. એવા જ ભાવોને વાચા આપતી સુરેશ દલાલની એક હૃદયસ્પર્શી કૃતિ.
*
સ્વર: આરતી મુન્શી; આલ્બમ: હસ્તાક્ષર
*
તમે વાતો કરો તો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે.
વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;
ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ.
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે … તમે વાતો કરો
રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયખું તો તુલસીનો ક્યારો;
તારી તે વાણીમાં વ્હેતો હું મૂકું છું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે … તમે વાતો કરો
– સુરેશ દલાલ
2 Comments