Press "Enter" to skip to content

Tag: શૂન્ય પાલનપુરી

એક દી સર્જકને


*
સ્વર – મનહર ઉધાસ

*
દીલ તમોને આપતાં આપી દીધું
પામતા પાછું અમે માપી લીધું
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !
*
એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર
દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર

ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક
ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક

મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી
વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી

બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મઝધારથી
મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી

પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફડફડાટ,
કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ

ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ

પંચભૂતો મેળવી, એ સર્વનું મંથન કર્યુ
એમ એક ‘દી સર્જકે એક નારીનું સર્જન કર્યુ.

દેવદર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી.

– શૂન્ય પાલનપુરી

1 Comment

કોણ માનશે

નાના હતા ત્યારથી સાંભળતા આવ્યા હતા કે ધીરજના ફળ મીઠા. કપરા સંજોગોમાં ઢાલ જેવું આ વાક્ય કંઈક અનોખી રીતે આ ગઝલમાં વ્યક્ત થયું છે. શૂન્યની કલમે થયેલ અમોલા સર્જનોમાંનું આ એક છે. ગઝલની છેલ્લી બે પંક્તિઓ ઈશ્વર વિશે, એની સર્વવ્યાપકતા વિશે અને અહમ્ ના વિસર્જન વિશે ઘણુંબધું કહી જાય છે.
*
સ્વર-મનહર ઉધાસ

*
દુ:ખમાં જીવનની લ્હાણ હતી, કોણ માનશે ?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે ?

શૈયા મળે છે શૂળની, ફૂલોના પ્યારમાં !
ભોળા હૃદયને જાણ હતી, કોણ માનશે ?

લૂંટી ગઇ જે ચાર ઘડીના પ્રવાસમાં.
યુગ-યુગની ઓળખાણ હતી, કોણ માનશે?

કારણ ન પૂછ પ્રેમી હૃદય જન્મ-ટીપનું,
નિર્દોષ ખેંચ-તાણ હતી, કોણ માનશે ?

ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ની પીછાણ હતી, કોણ માનશે ?

-શૂન્ય પાલનપુરી

1 Comment

આંખડી છેડે સરગમ


*
સ્વર- મનહર ઉધાસ

*
આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.

દૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.

ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી, લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.

બે ધડકતા દિલોની કહાણી બને, રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને, તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.

દેહના કોડિયે, પ્રાણની વાટને, લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે, દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય, ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ.

-શૂન્ય પાલનપુરી

2 Comments

પરિચય છે મંદિરમાં


શૂન્ય મારા સૌથી પ્રિય ગઝલકાર છે. એમની ગઝલોમાં તત્વજ્ઞાનનું ઉંડાણ ભરેલું છે. પ્રસ્તુત ગઝલ એ મારી મનગમતી ગઝલોમાંની એક છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે આપણે આત્મ સ્વરૂપ છે અને આપણે પરમાત્માના અંશરૂપ છીએ. જો પરમાત્મ તત્વ બધે વિલસી રહ્યું હોય તો પછી આપણું પણ બધે જ અસ્તિત્વ છે, બધા જ આપણને પહેચાને. જે વાત ધર્મગુરુઓના ગહન પ્રવચનો ન સમજાવી શકે તે શૂન્યે કેટલી સરળ રીતે સમજાવી દીધી છે.
*
સ્વર : મનહર ઉધાસ

*
પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ, કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની, મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે, કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને, દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

– શૂન્ય પાલનપુરી

4 Comments