[audio:/yatri/aa-vegas-chhe.mp3|titles=Aa Vegas Chhe|artist=Yatri]
(તરન્નૂમ – રાજૂ યાત્રી)
રોશનીમાં રોજ ગળતું જામ, આ વેગાસ છે.
રેતની વચ્ચે મદિરાધામ, આ વેગાસ છે.
ભાગ્યનાં પાસાં ફરે જ્યાં રોજનાં રોલેટ*માં,
ખણખણે જ્યાં રોકડું ઈનામ, આ વેગાસ છે.
ચાંદ-સૂરજની અહીં કરવી પડે અદલાબદલ,
સાંજ પડતાં જાગવાનું ગામ, આ વેગાસ છે.
રાતના અંધારમાં ખીલી જવાનીને વરે,
ઝંખના પર ના અહીં લગ્ગામ, આ વેગાસ છે.
નૃત્ય, માદક અપ્સરા ને મદભૂલેલાં માનવી,
રોજ ચૂંથાતા અહીં કૈં ચામ, આ વેગાસ છે.
MGM હોય કે હો Wynn, વેનેશિયન, અહીં,
છે મનોરંજન ફકત પયગામ, આ વેગાસ છે.
શું કહે ‘ચાતક’, તરસ જ્યાં દગ્ધ દાવાનળ બને,
સૂઝતું કોઈ ન બીજું નામ, આ વેગાસ છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
* રોલેટ – Spinning Roulette wheel
ખાસ નોંધ – પહેલી જુલાઈ, 2011 ના રોજ મીતિક્ષા.કોમ ત્રણ વરસ પૂરા કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરશે. આપ સૌ સાહિત્યરસિક મિત્રોના સાથ-સહકાર વગર આ શક્ય ન બન્યું હોત. આપ સહુનાં પ્રેરણા અને પ્રોત્સાહન બદલ ખુબ ખુબ આભાર..
10 Comments