Press "Enter" to skip to content

Tag: રાજેન્દ્ર શુકલ

સપનાં


રાજેન્દ્ર શુકલ મારા પ્રિય કવિઓમાંના એક છે. પ્રકૃતિના તત્વોના રૂપકો સંયોજીને સંવેદના છલકાવા માટે જાણીતા એવા આ કવિની કૃતિને બંસરી યોગેન્દ્રનો સ્વર સાંપડ્યો છે. શાસ્ત્રીય સંગીતના ઢાળવાળી આ રચના કર્ણપ્રિય છે.
*
સ્વર – બંસરી યોગેન્દ્ર

*
મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં,
નિષ્પલક પળની પરી, તે જોઈ રહેતો કાળ, સપનાં.

લાલ, પીળી, કેસરી, નીલી, ગુલાબી ઝાળ, સપનાં,
હું, તમે, ઉપવન, વસંતોનું રૂપાળું આળ સપનાં.

એક લટને, લ્હેરખીને લ્હેરવું નખરાળ, સપનાં.
ને પલકનું પાંખડી સમ ઝૂકવું શરમાળ, સપનાં.

હા, હજુ થાક્યાં ચરણને કોક વેળા સાંભરે છે,
આભને ઓળંગતી એ સ્વર્ણમૃગની ફાળ સપનાં.

જિંદગીને લક્ષ્ય જેવું તો કશું આમે હતું ના,
મદછકેલાં ત્યાં મળ્યાં એ, સાવ અંતરિયાળ સપનાં !

– રાજેન્દ્ર શુકલ

7 Comments

વીણેલાં મોતી


*

*
આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઇએ,
જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઇએ;
છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઇએ.
– મનહરલાલ ચોકસી
*
ક્યાં કદી સહેલાઇથી સમજાય છે માણસ હવે
વિસ્તરે છે એમ ટુંકો થાય છે માણસ હવે.
આભને આંબી જવાના હોય છે સ્વપ્ના ફકત,
માત્ર પડછાયો બની લંબાય છે માણસ હવે.
– આશિત હૈદરાબાદી
*
તું બને વરસાદ તો ઇચ્છાઓ જામગરી બને,
ને રમત અગ્નિ અને જળની વધુ અઘરી બને;
રામ બનવાનું બહુ અઘરું નથી હોતું મગર
શર્ત એ છે કે નિખાલસ એક જણ શબરી બને.
– મુકુલ ચોકસી
*
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે;
ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,
શબ્દનું એની કને ક્યાં કૈં ઉપજતું હોય છે !
– રાજેન્દ્ર શુકલ

3 Comments