(તસવીર સૌજન્ય – સ્વર્ગારોહણ)
સુપ્રસિદ્ધ સંત-સાહિત્યકાર શ્રી યોગેશ્વરજી (૧૫ ઓગષ્ટ, ૧૯૨૧ – ૧૮ માર્ચ, ૧૯૮૪)ને એમના જન્મદિને અર્પણ ….
હતા કેવા પરમ યોગી તમે, એ યાદ આવે છે,
કરી અંધારમાં જ્યોતિ તમે, એ યાદ આવે છે.
જીવનનું ધ્યેય સમજાવી બતાવ્યાં પામવા સાધન,
ધર્યા અણમોલ જે મોતી તમે, એ યાદ આવે છે.
સકળ વિઘ્નો વટાવીને થયાં સંસિદ્ધિથી ભૂષિત,
બતાવી ધ્યેય પર પ્રીતિ તમે, એ યાદ આવે છે.
મૂકી તવ હાથ અમ શિર પર અભયનાં દાન જે દીધાં,
હરી લીધી સકળ ભીતિ તમે, એ યાદ આવે છે.
નયન ‘ચાતક’ બની ઝંખી રહ્યા છે આપનાં દર્શન,
લૂછો છો આંખ સહુ રોતી તમે, એ યાદ આવે છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
7 Comments