બરાબર આજથી બે વરસ પૂર્વે અકસ્માતમાં વિદાય થનાર માસી (જ્યોતિબેન) ને અંજલિ આપતી મારી આ રચના.
સ્મિત હોઠો પર લઈ ચાલી ગયા માસી,
આશિષ અંતરથી દઈ ચાલી ગયા માસી.
એવી હતી અમ ધારણા સંગાથ કાયમનો,
મિથ્યા કરી, પળવારમાં ચાલી ગયા માસી.
નિસ્વાર્થ સેવા, ન્યાય, નીતિ, પ્રેમ, ખુદ્દારી,
દઈ સદગુણોનો વારસો ચાલી ગયા માસી.
કૈં દીન, દુઃખી આર્તના અંધાર જીવનપથ,
જ્યોતિ બની અજવાળતા ચાલી ગયા માસી.
મહેંકી ઉઠે છે ફુલથી કૈં ઘર ગલી ઉપવન
મ્હેંકાવતા મન-ઉપવનો ચાલી ગયા માસી.
કાયમ રહેશે સંસ્મરણ, સ્મૃતિઓ અંતરમાં
ઝાકળ થઈ છો પુષ્પથી ચાલી ગયા માસી.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
9 Comments