વરસો ચાળીને હવે થાક્યા, બા મારા, વરસો ચાળીને હવે થાક્યા.
ઘરનો થૈ મોભ હવે હાંફ્યા, બા મારા, વરસો ચાળીને હવે થાક્યા.
તુલસીના ક્યારે જઈ ઘીના દીવા કર્યા,
દુઃખના દાવાનળથી કોદિયે ના ડર્યા
બોર બોર આંસુડા જાળવી જતનભેર સેવામાં રામની એણે સપ્રેમ ધર્યા,
ધારેલા તીર બધા તાક્યા … બા મારા
પારકાંને પોતાના, પ્રેમે કરતા રહ્યા,
જાતે ઘસાઈ, દેહ ઉજળો કરતા રહ્યા,
સેવા ને સાદગીની ગળથૂથી પાઈ ને, અજવાળું આપવા પોતે જલતા રહ્યા,
કેટલા ઉઘાડાને ઢાંક્યા .. બા મારા
ઘડપણમાં વેદનાઓ મળવાને આવી,
દીકરી ગણી બાએ હૈયે લગાવી,
મોતિયો ભલે, બાની આંખેથી મોતીઓ આંસુ બનીને ઝટ્ટ કોદિ ના આવ્યા,
પગલાં પારોઠ ના માપ્યા … બા મારા
જગમાં ‘ચાતક’ એનો જોટો જડે નહીં,
પ્રેમની એ મોંઘેરી મૂરત મળે નહીં,
લાગણીના પૂળાઓ બાંધીને હૈયામાં, રાતોના રાતો એ સેવામાં જાગ્યા,
શ્વાસે શ્વાસે પ્રભુ જાપ્યા … બા મારા
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
17 Comments