Press "Enter" to skip to content

Tag: મનહર ઉધાસ

ફૂલ કેરા સ્પર્શથી


આપણે ગુજરાતીમાં કહેવત છે કે ‘દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ’. જ્યારે વ્યક્તિને સંબંધોમાંથી દર્દ મળે, ઉઝરડા થાય ત્યારે તે બધા તરફ જ શંકાની નજરે જોવા માંડે, એનો પ્રેમ પરથી, સંબંધ પરથી વિશ્વાસ જ ઉઠી જાય. અહીં સૈફ એવા જ કોઈ દર્દને યાદ કરે છે. ગઝલની છેલ્લી બે પંક્તિઓ મારી મનગમતી છે..આદતથી મજબૂર, એક રૂઢિ કે પ્રણાલિમાં બંધાઈને ગઝલો લખાય કે ગવાય પણ એ પ્રમાણે જીવવું અતિ દોહ્યલું છે. જીવન અને કવન વચ્ચેના વિરોધાભાસનો સ્વીકાર કોઈ સૈફ જેવો જીંદાદિલ શાયર જ કરી શકે.
*
સ્વર – મનહર ઉધાસ

*
ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે
અને રૂઝાયેલાં ઝખમ પણ યાદ આવી જાય છે

કેટલો નજદીક છે આ દૂરનો સબંધ પણ
હું હસું છું એકલો એ એકલા શરમાય છે

કોઈ જીવનમાં મરેલા માનવીને પૂછજો,
એક મૃત્યુ કેટલા મૃત્યુ નભાવી જાય છે.

આ વિરહની રાત છે, તારીખનું પાનું નથી
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે

એક પ્રણાલીકા નિભાવું છું લખું છું ‘સૈફ’ હું
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં હવે જીવાય છે ?

– સૈફ પાલનપુરી

2 Comments

પરિચય છે મંદિરમાં


શૂન્ય મારા સૌથી પ્રિય ગઝલકાર છે. એમની ગઝલોમાં તત્વજ્ઞાનનું ઉંડાણ ભરેલું છે. પ્રસ્તુત ગઝલ એ મારી મનગમતી ગઝલોમાંની એક છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે આપણે આત્મ સ્વરૂપ છે અને આપણે પરમાત્માના અંશરૂપ છીએ. જો પરમાત્મ તત્વ બધે વિલસી રહ્યું હોય તો પછી આપણું પણ બધે જ અસ્તિત્વ છે, બધા જ આપણને પહેચાને. જે વાત ધર્મગુરુઓના ગહન પ્રવચનો ન સમજાવી શકે તે શૂન્યે કેટલી સરળ રીતે સમજાવી દીધી છે.
*
સ્વર : મનહર ઉધાસ

*
પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ, કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની, મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે, કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને, દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

– શૂન્ય પાલનપુરી

4 Comments

નયનને બંધ રાખીને


સ્થૂળ સૌંદર્ય કરતાં આંતરિક સૌંદર્ય અનેક ગણું ચઢિયાતું હોય છે અને એને જોવા માટે સ્થૂલ દૃષ્ટિની જરૂર નથી પડતી. એને માટે તો આંખો બંધ કરી અંદર નજર માંડવી પડે છે. એને બીજી રીતે પણ મૂલવી શકાય કે આંખે જે દેખાય છે તે હંમેશા સાચું હોતું નથી. એને બુદ્ધિથી, તર્કથી કે અનુભવથી ચકાસી જોવાની જરૂર છે. બંધ આંખનો અર્થ મનની આંખથી જોવાનો છે. મનહર ઉધાસના સ્વરમાં ગવાયેલ આ ગઝલ ખૂબ લોકપ્રિય બની છે.
*

*
અશ્રુ વિરહની રાતના ખાળી શક્યો નહિ,
પાછાં નયનનાં નૂરને વાળી શક્યો નહિ,
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇને,
એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહિ,

નયનને બંધ રાખીને મેં જયારે તમને જોયાં છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે

ઋતુ એક જ હતી પણ રંગ ન્હોતો આપણો એક જ
મને સહરાએ જોયો છે બહારે તમને જોયા છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ,
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયાં છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
ખૂલી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયાં છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..

નહીંતર આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે,
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે … નયનને બંધ રાખીને ..

– બરકત વીરાણી ‘બેફામ’

23 Comments