લીલા આસીમ રાંદેરી સાહેબની કલ્પના હતી કે હકીકત – એ તો એમના સિવાય કોઈ કહી શકે તેમ નહીં પણ એમણે લીલાના પાત્રને જે રીતે પોતાની રચનાઓમાં ઉપસાવ્યું છે તે કાબિલે તારીફ છે. તાપી તટે પાંગરેલ પ્રણયની સુંદર કલ્પનાઓથી મઢેલી એમની આ બહુપ્રસિધ્ધ નજમ માણો મનહર ઉધાસના સ્વરમાં.
*
*
જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.
*
જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે … જુઓ લીલા
કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મિઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે … જુઓ લીલા
છે લાલીમાં જે લચકતી લલીતા
ગતિ એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભાની ઝલક દઇ રહી છે … જુઓ લીલા
ન સુરમો, ન કાજલ, ન પાવડર, ન લાલી
છતાંય એની રંગત છે સૌમાં નિરાળી
બધી ફેશનેબલ સખીઓની વચ્ચે
છે સાદાઇમાં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે … જુઓ લીલા
સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે … જુઓ લીલા
ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે … જુઓ લીલા
કોઇ કે છે જાયે છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસીમ’
અધુરા પ્રણયપાઠને પુર્ણ કરવા
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે … જુઓ લીલા
– આસીમ રાંદેરી
12 Comments