*
*
આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઇએ,
જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઇએ;
છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઇએ.
– મનહરલાલ ચોકસી
*
ક્યાં કદી સહેલાઇથી સમજાય છે માણસ હવે
વિસ્તરે છે એમ ટુંકો થાય છે માણસ હવે.
આભને આંબી જવાના હોય છે સ્વપ્ના ફકત,
માત્ર પડછાયો બની લંબાય છે માણસ હવે.
– આશિત હૈદરાબાદી
*
તું બને વરસાદ તો ઇચ્છાઓ જામગરી બને,
ને રમત અગ્નિ અને જળની વધુ અઘરી બને;
રામ બનવાનું બહુ અઘરું નથી હોતું મગર
શર્ત એ છે કે નિખાલસ એક જણ શબરી બને.
– મુકુલ ચોકસી
*
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે;
ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,
શબ્દનું એની કને ક્યાં કૈં ઉપજતું હોય છે !
– રાજેન્દ્ર શુકલ 3 Comments