Press "Enter" to skip to content

Tag: પારિજાત

હવે એ વાત ક્યાં ?

જે હતી પહેલાં, હવે એ વાત ક્યાં ?
આંગણામાં જૂઈ, પારિજાત ક્યાં ?

ધોમધખતા દિવસો સામા મળે,
કોઈ દિ’ ભૂલી પડે છે રાત ક્યાં ?

આભ જેવું મંચ છે સૌની કને,
સાંજ જેવી સૂર્યની રજૂઆત ક્યાં ?

શહેરમાં મરવા પડી સંવેદના,
લાગણીને તોય પક્ષાઘાત ક્યાં ?

હસ્તરેખામાં ફકત – લાંબુ જીવન,
પ્રેમના નામે લખેલી ઘાત ક્યાં ?

પિંજરું ખુલી ગયાનો વસવસો,
ઊડવા માટેનો ઝંઝાવાત ક્યાં ?

અંતની ‘ચાતક’ બધાંને છે ફિકર,
જિંદગીની ફાંકડી શરૂઆત ક્યાં ?

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments