Press "Enter" to skip to content

Tag: પારકી થાપણ

દીકરી તો પારકી થાપણ કહેવાય


ગુજરાતી ફિલ્મો સિનેમાઘરમાં જઈને ભાગ્યે જ જોઈ હશે. જે થોડીક જોઈ તે ટીવી પર. પણ કેટલીક ગુજરાતી ફિલ્મના ગીતો હૃદય પર કોરાઈ ગયેલાં છે. આજે એવું જ એક ગીત જે મને ખુબ ગમે છે, સાંભળીએ. પોતાની લાગણીઓને સંયમિત રાખનાર પિતા કન્યાની વિદાય સમયે ધ્રુસકે ધ્રુસકે રોઈ પડે છે. કન્યાની વિદાય એ લાગણીશીલ માતાપિતા માટે વજ્રઘાત સમી ઘટના છે, એનું સંવેદનાસભર ચિત્રણ આ ગીતમાં થયેલ છે. આ ગીત સાંભળી દરેક સ્ત્રીને પોતાના લગ્ન સમયે પિયરમાંથી વિદાય થવાની ઘટના યાદ આવે અને દરેક પુરુષને પોતાની બેન કે પુત્રીને આપેલી વિદાય સાંભરશે.
*
ફિલ્મ: પારકી થાપણ; સંગીત: ગૌરાંગ વ્યાસ; સ્વર: લતા મંગેશકર

*
સ્વર- ઐશ્વર્યા મજમૂદાર

*
બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય,
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય,
દીકરી તો પારકી થાપણ કહેવાય

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી’તી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમી વેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એ તો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

– અવિનાશ વ્યાસ

11 Comments