તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું
ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું
મારાં સઘળાં દુવારને કરી દીધા બંધ
ને આમ તમે આંખોને કરી દીધી અંધ
તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ
ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.
હું તો વહેણમાં તણાઇ મને કાંઠો નથી
ને આપણા સંબંધની કોઇ ગાંઠો નથી
અછાંદસ જેવો છે આપણો આ પંથ
ને એનું તે નામ તમે છંદ રાખ્યું…
– પન્ના નાયક
2 Comments