દુષ્કાળપિડીત માનવીઓની વ્યથા આલેખતી ગઝલ….
એમ તરસ્યા ક્યાં લગી રહેવાય છે ?
જળ નહીં તો આંસુઓ પીવાય છે.
રણમહીં વરસ્યા કરે છે મૃગજળો,
ને હરણ થઈ જીંદગી જીવાય છે.
રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે,
રોજ મનની માછલી વીંધાય છે.
તું લખે છે હસ્તરેખામાં ગઝલ,
ને અમારી પાંપણો ભીંજાય છે.
આશ તો ‘ચાતક’ બદનનું વસ્ત્ર છે,
જે નિરાશાઓ વડે ચીરાય છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
19 Comments