સબંધે સબંધે તિરાડો મળે છે,
અહીં પ્રશ્ન સૌનો નિરાળો મળે છે !
ઉપેક્ષિત નયનમાં નિરાધાર આંસુ,
સતત શ્વાસમાંહી નિભાડો મળે છે.
બની પ્રેમ વાદળ ભલે રોજ વરસે,
હૃદય-ભોમકા પર વરાળો મળે છે.
સમી સાંજ થાતાં સમજ અસ્ત થાતી,
પછી ઘરમહીં એક અખાડો મળે છે.
અગન હર દિલોમાં, વ્યથા હર જીગરમાં,
ફકત લાગણીનો હિમાળો મળે છે.
હવે ચાલ ‘ચાતક’ તું એવા નગરમાં,
જ્યહીં સ્પર્શ કોમળ હુંફાળો મળે છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
11 Comments