દરેક વ્યક્તિને સુખની તલાશ છે. જેને સુખ મળ્યું છે તેવો માનવી પણ એનાથી કદી ધરાતો નથી તો પછી જેના નસીબમાં અભાવો, વ્યથા અને તરસ જ લખી છે એની વાત શું કરવી ? અહીં કવિ એવા જ આમ આદમીની વાત કરે છે. બાવળની ડાળ, રેતાળ સંબધો, હરણાંની પ્યાસ અને ધૂળના વાદળ … રૂપકો એટલા તો હૃદયસ્પર્શી છે કે વાત નહીં. એટલા જ સુમધુર સ્વરમાં સાંભળો આ સુંદર ગીત.
*
*
મને આપો ઉછીનું સુખ થોડું,
હજીયે ના એવડું તે થઇ ગયું મોડું.
અમને આપી છે એવી બાવળની ડાળ
કે ફૂલ કદી ખીલ્યા નહી,
અમને સબંધો વળી આપ્યા રેતાળ
કે નીર કદી ઝીલ્યાં નહી,
હું તો હરણાની પ્યાસ લઈ દોડું
મને આપો ઉછીનું સુખ થોડું.
ટહુકા આપ્યા ને પાછાં પીછાં આપ્યા
ને પછી સામે આ ખડકી દિવાલ,
ઉડે છે ધૂળનાં રે વાદળ ને
આસપાસ પારધીએ પાથરી છે જાળ,
બંધ આંખે ઉજાગરાને ઓઢું
મને આપો ઉછીનું સુખ થોડું.
– જગદીશ જોષી
5 Comments