Press "Enter" to skip to content

Tag: ચાતક

તિરાડો મળે છે

સબંધે સબંધે તિરાડો મળે છે,
અહીં પ્રશ્ન સૌનો નિરાળો મળે છે !

ઉપેક્ષિત નયનમાં નિરાધાર આંસુ,
સતત શ્વાસમાંહી નિભાડો મળે છે.

બની પ્રેમ વાદળ ભલે રોજ વરસે,
હૃદય-ભોમકા પર વરાળો મળે છે.

સમી સાંજ થાતાં સમજ અસ્ત થાતી,
પછી ઘરમહીં એક અખાડો મળે છે.

અગન હર દિલોમાં, વ્યથા હર જીગરમાં,
ફકત લાગણીનો હિમાળો મળે છે.

હવે ચાલ ‘ચાતક’ તું એવા નગરમાં,
જ્યહીં સ્પર્શ કોમળ હુંફાળો મળે છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

કાગળ મળે છે

[audio:/yatri/kagal-male-chhe.mp3|titles=Kaagal Male Chhe|artist=Yatri]
(તરન્નૂમ – રાજૂ યાત્રી)

લખું રોજ વાદળ ને ઝાકળ મળે છે !
મને રોજ તડકાનાં કાગળ મળે છે !

સમય સાથ ચાલું છું તોયે જુઓને,
મુસીબત કદમ એક આગળ મળે છે !

તકાદા કરે છે તું કેવા મિલનના,
મને ફક્ત અધખુલી સાંકળ મળે છે !

તને શોધતાં શોધતાં લોક હાંફે,
ખુદા, તુંય ભીંતોની પાછળ મળે છે ?!!

ખુશાલી હવે ના મળે કોઈ ઘરમાં,
ખુશીના મુકામોય ભાગળ મળે છે !

નિરાશા વદનથી લુછી નાંખ ‘ચાતક’,
ક્ષિતિજે અહીં રોજ વાદળ મળે છે !

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8 Comments

મળી આવે કવિતાઓ

પરીની વારતાઓમાં સરી આવે કવિતાઓ,
કદી આંગણમહીં બાળક બની આવે કવિતાઓ.

અવાચક થઈ તમે ઊભા રહો કોઈ ખડકની જેમ
ને ખળખળ ઝરણ થૈને વહી આવે કવિતાઓ.

જીવનભર જેમને સંવેદનાઓ સ્હેજ ના સ્પર્શી,
હવે એની કબર પર જઈ રડી આવે કવિતાઓ.

મળે છે લોહીથી લથપથ બધા અખબારનાં પાનાં,
હવે અખબારના પાને નહીં આવે કવિતાઓ.

જરૂરી તો નથી કે હર પ્રણયનો અંત સુખમય હો,
અધૂરી વેદનારૂપે મળી આવે કવિતાઓ.

વરસ તું પ્રેમમાં એવું, કિનારા ઓગળી જાયે,
અને સામા પ્રવાહે કૈં તરી આવે કવિતાઓ.

હૃદય-સંવેદનાની એક મુઠ્ઠી ચણ પડે ‘ચાતક’,
ગગનમાંથી ફટાફટ ઊડતી આવે કવિતાઓ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

14 Comments

સધ્ધર મળે

એક નહીં પણ એકસો સત્તર મળે,
ઝાંઝવાની જાત પણ સધ્ધર મળે!

ચાંદ સાથે રૂ-બ-રૂ વાતો કરે,
કોઈ ચહેરા એટલા અધ્ધર મળે.

ને મરણની બાદ પણ મ્હેંક્યા કરે,
આદમીરૂપે કદી અત્તર મળે.

લાગણીના કાન સરવા રાખ, તો
ઢાઈ અક્ષરનો તને મંતર મળે.

આયનામાં ઝાંખ, આતમરામજી,
ક્યાંક સૂતો એક દસકંધર મળે.

શબ્દના પ્હાડો ઉલેચી નાખતાં,
શક્ય ‘ચાતક’, મૌનનો ઉંદર મળે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

ઝળહળે એના ઘરે


[audio:/e/ena-ghare.mp3|titles=Ena Ghare|artist=Yatri]
(તરન્નુમ – રાજુ યાત્રી)

કોઈ દૂરી ક્યાં નડે છે પ્હોંચતા એના ઘરે,
હું અહીં દીપક જલાવું, ઝળહળે એના ઘરે.

વર્ણ-જાતિ-ભેદની તકરારના કિસ્સા ખતમ,
રંક-રાજા સહુ મળે છે પ્રેમથી એના ઘરે.

એક બાળકનું કુતૂહલ એટલે શમતું નથી,
કોઈ પંડીત-મૌલવી દીઠા નહીં એના ઘરે.

એ જ શ્રદ્ધા સાથ કે એ વાંચશે કોઈ દિવસ,
શ્વાસમાં પત્રો બીડું છું રોજ હું એના ઘરે.

ધમપછાડા ત્યાં જવાના છોડ ‘ચાતક’, આખરે
લોક ઉંચકી લઈ જશે આરામથી એના ઘરે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

12 Comments

મલ્હારમાં ગાવું ઘટે


[audio:/m/malhar-ma-gavu-ghate.mp3|titles=Malhar ma Gavu Ghate|artist=Yatri]
(તરન્નુમ – રાજુ યાત્રી)

ઝાંઝવા થૈને સરોવરમાં કદી ન્હાવું ઘટે,
જિંદગીના ગીતને મલ્હારમાં ગાવું ઘટે.

વેદના વચ્ચે ખડકની જેમ ઊભા શું તમે,
લાગણીના સ્પર્શથી ક્યારેક ચીરાવું ઘટે.

એમની વાતો સરળ ને સાવ સીધી હોય, છો,
એમની વાતે કદી અમથુંય ભરમાવું ઘટે.

રેતના ઘર બાંધવા હેતાળ સાગરના તટે,
આપણે બાળક બનીને ક્યાંક ખરડાવું ઘટે.

રાતદિ ઉપકાર કરતા વૃક્ષને કાપ્યા પછી,
માનવી થઈને હવે સાચે જ શરમાવું ઘટે.

જિંદગી ‘ચાતક’ રહસ્યો ખોલશે, તો શું થશે,
સ્વપ્નની કોમળ ત્વચા, એનુંય તરડાવું ઘટે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

13 Comments