Press "Enter" to skip to content

Tag: ગીત

ખોબો ભરીને

દરેકને એવો અનુભવ હશે કે જ્યારે આપણે બહુ આનંદમાં હોઈએ ત્યારે કંઈકને કંઈક એવું બને કે આનંદમાં ભંગ પડે. ક્યારેક એવું થાય કે એવું કંઈ ન બને પણ મનને એવું થશે એવો ભય સતાવ્યા કરે. આ ગીતની પ્રથમ બે પંક્તિઓ મને બહુ જ પ્રિય છે.
*
સ્વર : નિરુપમા શેઠ

*
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

– જગદીશ જોષી

8 Comments

પાન લીલું જોયું ને


હરિન્દ્ર દવેની આ મારી મનગમતી કૃતિ છે. કદાચ એમની આ સૌથી શ્રેષ્ઠ કૃતિ છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ઘણી કાવ્યપંક્તિઓ લોકોના મોંઢે ચઢી જાય, આ એમાંની એક છે. ચાલો માણીએ ગુજરાતી સાહિત્યના ઘરેણાં સમી આ કૃતિ.
*
સ્વર – હંસા દવે

*
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રહ્માંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

– હરિન્દ્ર દવે

18 Comments

નીલ ગગનના પંખેરુ


આમ તો આ ગીત એક પંખીને સંબોધીને લખાયેલું છે, પણ જે વ્યક્તિઓએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે એમને પણ એટલું જ લાગુ પડે છે. વરસોના મધુર સંભારણા આપીને પછી જ્યારે કોઈ વ્યક્તિ દૂ….ર જતી રહે છે ત્યારે આવી જ બેકરારી, બેચેની, અકળામણ થાય, ખરું ને ? ગીતના શબ્દો અને ભાવ એટલો હૃદયસ્પર્શી છે કે દરેકને સ્મૃતિના પ્રવાહમાં તાણી જાય.
*
સ્વર – સોલી કાપડીયા

*
સ્વર – મુકેશ

*
ઓ નીલ ગગનના પંખેરુ તું કા નવ પાછો આવે
મને તારી યાદ સતાવે…

સાથે રમતા, સાથે ફરતા, સાથે નાવલડીમાં તરતા
એક દરીયાનું મોજું આવ્યુ વાર ન લાગી તુજને સરતા
આજ લગી તારી વાટ જોઉં છું તારો કોઇ સંદેશો લાવે
મને તારી યાદ સતાવે…

તારા વિના ઓ જીવનસાથી જીવન સુનું સુનું ભાસે
પાંખો પામી ઉડી ગયો તું, જઈ બેઠો ઉચે આકાશે
કેમ કરી હું આવું તારી પાસે મને કોઈ નવ માર્ગ બતાવે
મને તારી યાદ સતાવે…

મોરલા સમ વાટલડી જોઉ ઓરે મેહુલા તારી
વિનવુ વારંવાર હું તુજને સાંભળ વિનતી મારી
તારી પાસ છે સાધન સૌએ તું કા નવ મને બોલાવે
મને તારી યાદ સતાવે…

20 Comments

પંખીડાને આ પીંજરુ


જ્યારે ઉંમર થઈ જાય, શરીર સાથ ન આપે, જીવવાની જીજીવિષા સાવ નામશેષ થઈ જાય ત્યારે માણસને પોતાનો દેહ જર્જરિત પીંજરા જેવો લાગવા માંડે. એને ફરી યુવાન થવાના, નવો દેહ ધારણ કરવાના અને નવા પીંજરામાં પૂરાવાના કોડ જાગે છે. આ ગીતમાં એ બખૂબીથી વર્ણવેલું છે. મૂકેશના કંઠે ગવાયેલ આ ગીત દરેક ગુજરાતીએ ક્યારેક ને ક્યારેક ગણગણ્યું હશે. ચાલો માણીએ અવિનાશભાઈની અમર કૃતિ.
*
સ્વર – મુકેશ

*
સ્વર – સોલી કાપડીઆ

*
પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
અણઘારો કર્યો મનોરથ દુરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા લગન એને લાગી રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝુલો
હીરે મઢેલ વીંઝણો મોતીનો મોઘો અણમુલો
પાગલ ન બનીએ ભેરુ કોઇના રંગ રાગે રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

માન માન ઓ પંખીડા નથી રે સાજનની રીત
આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત
ઓછું શું આવ્યું સાથી સથવારો ત્યાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

– અવિનાશ વ્યાસ

15 Comments

ગમતાંનો કરીએ ગુલાલ


મકરંદ દવેની આ સુપ્રસિદ્ધ રચના. એની પ્રથમ બે પંક્તિઓ જ મનને ભાવી જાય એવી છે. આજકાલ બધું જ મારું-મારું થવા લાગ્યું છે ત્યારે કવિ પોતાને ગમતું હોય તે મોકળાશથી બીજાને વ્હેંચવાની વાત કરે છે. આ અને આના જેવા અનેકવિધ બ્લોગ એ મનગમતા સાહિત્યની એક પ્રકારની વહેંચણી જ છે. જીવનની ક્ષણભંગુરતાને કવિએ ‘સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી’ કહીને ખુબ સુંદર રીતે રજૂ કરી છે.
*

*
ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગંળી,
સમંદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય,
આ તો વરસે ગગનભરી વ્હાલ … ગમતાંનો કરીએ ગુલાલ

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?
સરી સરી જાય એને સાચવશે ક્યાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વેર્યે ફોરમનો ફાલ … ગમતાંનો કરીએ ગુલાલ

– મકરંદ દવે

8 Comments

રૂપલે મઢી છે


ગુજરાતી ફિલ્મોના યાદગાર ગીતોની ગણના કરવી હોય તો આ ગીતનો સમાવેશ કરવો જ પડે. સ્વર કિન્નરી લતા મંગેશકરના મોહક અવાજમાં કંડારાયેલ આ સુંદર ગીત વારંવાર સાંભળવા છતાં મન નહીં ધરાય.
ફિલ્મઃ રૂપલે મઢી છે સારી રાત (૧૯૬૮)
*
ગીતકારઃ હરીન્દ્ર; સંગીતકારઃ દિલીપ ધોળકિયા; સ્વરઃ લતા મંગેશકર

*
સ્વર – ઐશ્વર્યા મજમૂદાર

*
રૂપલે મઢી છે સારી રાત રે સજન,
એનુ ઢુંકડૂં ન હોજો પ્રભાત
સૂરજ ને કોઇ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત.. રૂપલે મઢી છે

વેળા આવી તો જરા વેણ નાખું વાલમા,
એક જરા મોંઘેરું કહેણ નાખું વાલમા,
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર..દૂર દૂર..
એને મોરલીની શું રે કરું વાત રે.. રૂપલે મઢી છે

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવા રે મહોબ્બતનાં તાણ જરા જોઈ લઉં,
મહારા કિનારા રહો દૂર નિત દૂર દૂર..દૂર દૂર..
રહો મઝધારે મ્હારી મુલાકાત રે.. રૂપલે મઢી છે

2 Comments