Press "Enter" to skip to content

Tag: ગીત

ક્ષણનાં પારેવડાંને શોધીએ

ચાલ રવિકિરણોનાં માળામાં જઈને એક ક્ષણનાં પારેવડાંને શોધીએ,
ધુમ્મસના દરિયામાં ઘટના ખોવાઈ, જરા હળવે જઈ એને ઊલેચીએ.

ફુંદરડે ફરતાતાં, મંદિરની પાળ અને પિપળના પાન હજી યાદ છે,
છલકાતી ગાગરમાં મલકાતું જોબન ને ઉઘડેલો વાન હજી યાદ છે,
ગજરામાં ગૂંથેલા મોગરાની કળીઓને સંગ સંગ આજ ફરી મ્હોરીએ … ચાલ

પરભાતે પાંપણ પર સૂરજના કિરણોની પાથરી પથારીઓ હેતની,
દરિયાના મોજાં ને ભરતી ને ઓટમહીં વહીએ થઈ મુઠી-શી રેતની,
છીપલાંની છાતીમાં છૂપેલાં મોતી સમ સૂતેલાં સોણલાંને ગોતીએ … ચાલ

આ વહેવું એ જળ અને મળવું એ પળ તો જલધિની ઝંખના શું કામની ?
કોયલ ના ટહુકે જો આંબાની ડાળ તો એ મ્હોરેલી મંજરી શું કામની ?
હર્ષ અને શોકના વાદળાંઓ કાજળ સમ ‘ચાતક’શી આંખોમાં આંજીએ … ચાલ

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

14 Comments

કંકુના સૂરજ આથમ્યા


આ ગીત મારું ‘all time favorite’ છે. એના વિશે કંઈ પણ કહેવું કે લખવું એ કવિ, કૃતિ અને કદરદાનની વચ્ચે આવવા જેવું છે. એને તો અશ્રુની વહેતી ધારે.. બસ માણવું જ રહ્યું. ભીતરના જે દર્દે આ કરુણ ગીતને જન્મ આપ્યો તેની પાર્શ્વભૂમિકા તથા કવિ રાવજી પટેલ વિશે વધુ જાણવા સ્વ. રાવજી પટેલ-શ્રદ્ધાંજલિ જોવાનું ભૂલતા નહીં.
*

*
સ્વર – ભૌમિક શાહ

*
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

23 Comments

ધારો કે એક સાંજ


*

*
ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી
કેમ કરી વાંચશું ?

માનો કે હોઠ સહેજ મ્હોરી ઊઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠયાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ કયાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

– જગદીશ જોષી

9 Comments

સૌનેય છે જવાનું

જીવન શું છે ? એક પ્રવાસ અને પ્રત્યેક જીવ એનો પ્રવાસી. એ માર્ગ સૌંદર્યથી સભર છે, પણ ‘અશ્વત્થની સમીપે શાશ્વત સમય સુધી ના, કોઇ શક્યું વગાડી વીણા નદીતટે આ’ કહીને કવિએ હયાતીની મર્યાદા અને કાળની અગાધ શક્તિને વ્યક્ત કરી છે.  તો શું ક્ષણભંગુરતાના ગાણા ગાઈને, તિરસ્કાર કે ત્યાગના વિચાર કરવાના ? ના. કવિ કહે છે કે જે અલ્પ પણ સમય મળ્યો છે એમાં પ્રેમ વ્હેંચવાનો છે. જીવનની નશ્વરતા, મૃત્યુની અવશ્યંભાવિતા અને પ્રેમનો મહિમા ગાતું આ ગીત અભિવ્યક્તિની તાજગીને લીધે હૃદયસ્પર્શી બન્યું છે.
*
સ્વર – રાજુ યાત્રી

*
સૌનેય છે જવાનું અંતે અલગ થવાનું
વૃક્ષોતણી ઘટામાં સૌન્દર્યની છટામાં-
કૂજે વિહંગ ક્રીડે ને ક્રૌંચ વાયુ ગાયે
બેસી પરબ પરે ત્યાં પાછા પથે જવાનું.

અશ્વત્થની સમીપે શાશ્વત સમય સુધી ના
કોઇ શક્યું વગાડી વીણા નદીતટે આ;
ઘંટારવો, પૂજારી, સાહિત્ય ને પૂજાનું
દીપકશિખા બધુંયે સ્મૃતિના ઉરે સમાયું.

મંદિર રહ્યું ન એવું આરાધના ન એવી
છે કાળદેવતાએ ક્રીડા કરેલ કેવી?
સૌનેય છે જવાનું અંતે અલગ થવાનું
ના કિન્તુ પ્રેમને કો સ્વાહા કરી જવાનું,

ટૂંકા પ્રવાસમાં જે સાથી મળે, મળીયે
તે સર્વને હૃદયથી, ભાવે ભળી જવાનું

–  યોગેશ્વરજી  કૃત ‘તર્પણ’ માંથી (સૌજન્ય સ્વર્ગારોહણ)

5 Comments

સાંવરિયો


શબ્દોના જાદુગર, છ અક્ષરનું નામ, લાગણીથી છલકાતા કવિ શ્રી રમેશ પારેખની આ અત્યંત લોકપ્રિય કૃતિ છે. પોતાના પ્રિયતમ વિશે કાંઈ પણ કહીએ તો તે ઓછું પડે. પણ કવિએ ટુંકાણમાં ‘ખોબો માગું તો ધરી દે દરિયો’ કહીને એને એટલી સહજ અને સરસ રીતે રજૂ કર્યું છે કે વાત નહીં. શબ્દ સાથે સૂરના સુભગ સમન્વયથી આ કૃતિ અત્યંત આહલાદક બની છે. આ રચના મારી મનગમતી કૃતિઓમાંની એક છે. આશા રાખું કે એ આપને ગમશે.
*
સ્વર: સોનાલી બાજપાઈ; આલ્બમ: તારી આંખનો અફીણી

*
સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

કોઈ પૂછે કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

આંખ ફડકી ઉજાગરાથી રાતી
ઝીણા ધબકારે ફાટફાટ છાતી
છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

– રમેશ પારેખ

12 Comments

મારી કોઈ ડાળખીમાં


આ ગીત મારા પ્રિય ગીતોમાંનું એક છે. એક નિર્મોહીની ખુમારી અને ટટ્ટારીને આ રચના આબેહુબ રીતે વ્યક્ત કરે છે. જે ડાળખીને પાંદડા જ ન હોય એને પાનખરની શી બીક ? વળી રચનાને અંતે મુકાયેલ ‘બરફમાં ગોઠવેલું પાણી નથી, મને સૂરજની બીક ના બતાવ’ … અત્યંત મનનીય છે. પુરુષોત્તમભાઈ, જેમણે ગુજરાતી સંગીતને દેશવિદેશમાં ગુંજતું કર્યું, તેમના કંઠથી આ ગીત અમર બન્યું છે, આપણને વારંવાર વાગોળવાનું મન થાય એવું છે.
*
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

*
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા/શહીદ થવા (?) ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

– અનિલ જોષી

6 Comments