આજકાલ લગ્નસરાની મોસમ છે. કંકોત્રીઓ લખાય છે, વહેંચાય છે, વંચાય છે અને ઉમળકાભેર લગ્નોમાં હાજરી અપાય છે. એમાં કશું નવું નથી … પરંતુ અહીં કવિના હાથમાં પોતાની પ્રિયતમાના લગ્નની કંકોતરી આવે છે. એ પ્રણય, જે કોઈ કારણોસર એના કાયમી મુકામ પર ન પહોંચ્યો, કવિના અંતરને ઝંઝોળે છે. તો બીજી બાજુ પ્રિયતમા પણ એના પ્રભુતામાં પગલાં ભરવાના પ્રસંગે કંકોતરી મોકલાવી પોતે ભૂલી શકી નથી એનો પુરાવો આપે છે. નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે …ઘણું બધું કહી જાય છે. ગુજરાતી સાહિત્યમાં અનોખી ભાત પાડતી આસિમ રાંદેરીની આ સુંદર રચના આજે સાંભળીએ.
*
સ્વર: મનહર ઉધાસ; આલ્બમ: આવકાર
*
કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે,
એને પસંદ છો હું નથી, શાયરી તો છે,
વરસો પછીય બેસતાં વરસે હે દોસ્તો,
બીજું તો ઠીક એમની કંકોતરી તો છે.
*
મારી એ કલ્પના હતી વીસરી મને
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને.
ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને
લ્યો એનાં લગ્નની મળી કંકોતરી મને.
સુંદર ન કેમ હોય કે સુંદર પ્રસંગ છે
કંકોતરીમાં રૂપ છે શોભા છે રંગ છે.
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ
જાણે કે પ્રેમકાવ્યોની કોઈ કિતાબ સમ.
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી
શિરનામું મારૂં કીધું છે ખુદ એના હાથથી.
છે એને ખાતરી કે હું આવું નહીં કદી
મારી ઉપર સભાને હસાવું નહીં કદી
દીધેલ કોલ યાદ અપાવું નહીં કદી
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી
દુઃખ છે હજાર તો ય હજી એ જ ટેક છે
કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.
કંકોતરીથી એટલું પુરવાર થાય છે
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે
જયારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી
તકદીરનું લખાણ છે કંકોતરી નથી.
કાગળનો એક કટકો છે જોવામાં એમ તો
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો
સુંદર સળંગ રમ્ય છે શોભામાં એમ તો
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો
કોમળ વદનમાં એના ભલે છે હજાર રૂપ
મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ.
એને ભલેને પ્રેમથી જોયા નહીં કરૂં
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરૂં
સંયમમાં હું રહીશ બળાપા નહીં કરૂં
આવેશમાં એ ‘ફૂલ’ના કટકા નહીં કરૂં.
આ આખરી ઈજન છે હ્ય્દયની સલામ દઉં
‘લીલા’ના પ્રેમપત્રોમાં એને મુકામ દઉં.
‘આસિમ’ હવે એ વાત ગઈ રંગ પણ ગયો
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું
એ પારકી બની જશે હું એનો એ જ છું.
– આસીમ રાંદેરી
14 Comments