એક જમાનો હતો કે જ્યારે બહેનોને પાણી ભરવા તળાવ કે કૂવા પર જવું પડતું હતું. અને ત્યાં બહેનો વચ્ચે એક પ્રકારનું social interaction થતું હતું. હવે તો મોટાભાગના ગામડાઓમાં પાણીના નળ આવી ગયા છે અને પાણી ભરવા જવું પડે તે પણ કોઈને ગમે નહીં એવું થઈ ગયું છે. પણ ગ્રામીણ ભાતીગળને ઉજાગર કરતું અવિનાશભાઈનું આ સુંદર પદ આપણને માનસપટ પર એ દિવસોની યાદ તાજી કરાવી પાણી ભરવા જતી બહેનોનું ચિત્ર અનાયાસ દોરી આપે છે. સાંભળો આ લોકપ્રય ગીતને આશા ભોંસલેના સ્વરમાં.
*
*
ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો
બોલે અષાઢીનો મોર પાણી ગ્યા’તાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો.
ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
નજરું ઢાળી હાલું તો’ય લાગે નજરું કોની
વગડે ગાજે મુરલીના શોર, પાણી ગ્યા’તાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો.
ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો
– અવિનાશ વ્યાસ
1 Comment