Press "Enter" to skip to content

Tag: આરતી મુન્શી

લ્યો અમે તો આ ચાલ્યા


ઘણાં ઓછા સર્જનો એવા હશે જે સાંભળ્યા કરવાનું મન થયા કરે, જેને સાંભળતા કદી કંટાળો ના આવે. મારા મનગમતા ગીતોમાંનું આ એક અહીં રજૂ કરું છું. રચનાની સાથે ઉમદા અર્થનો સંયોગ તથા આશિત દેસાઈ અને આરતી મુન્શીનો સબળ કંઠ, પછી કહેવું જ શું ? આ કૃતિની છેલ્લી પંક્તિ કેટલી સુંદર છે ! ફૂલ અને ઝાકળનું મિલન કેટલું ક્ષણિક અને છતાંય કેવું યાદગાર હોય છે, કેવું મોહિત કરનાર હોય છે ? શું એ આપણને એવો સંદેશ નથી આપતું કે પૃથ્વી પર આપણું માનવદેહે વિહરવાનું પણ ક્ષણિક છે, એને આપણે યાદગાર બનાવવું જોઈએ ?
*
સ્વર: આશિત દેસાઈ, આરતી મુન્શી; આલ્બમ: હસ્તાક્ષર

*
શબ્દ કેરી પ્યાલીમા, સુરની સુરા પીને,
લ્યો અમે તો આ ચાલ્યા
મસ્ત બેખયાલીમાં, લાગણી આલાપીને … લ્યો અમે તો આ ચાલ્યા

જે ગમ્યુ તે ગાયું છે, જે પીધું તે પાયું છે,
મહેકતી હવાઓમાં કંઇક તો સમાયું છે
ચાંદની ને હળવેથી નામ એક આપી ને … લ્યો અમે તો આ ચાલ્યા

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું,
સાચવી ને રાખ્યું’તું, અશ્રુ એ જ સાર્યું’તું,
ડાયરીના પાનાની, એ સફરને કાપી ને … લ્યો અમે તો આ ચાલ્યા

ફુલ ઉપર ઝાંકળનું, બે ઘડી ઝળકવાનું,
યાદ તોય રહી જાતું , બેઉને આ મળવાનું
અંતર ના અંતરને એમ સહેજ માપીને……લ્યો અમે તો આ ચાલ્યા

– તુષાર શુકલ

3 Comments