અમદાવાદને અલવિદા કહી અમેરિકા (ન્યૂજર્સી) સ્થાયી થવા જ્યારે આદિલ મન્સૂરી નીકળ્યા ત્યારે વતનની સ્મૃતિઓ એમના હૃદયને કોરી રહી. સાબરમતી નદીના રેતીના પટમાં રમતું નગર, એ ઘર-ગલી અને રસ્તાઓ, વરસો જૂના લાગણીના ભીના સંબંધે બંધાયેલ પરિચિતોના હસતા ચહેરાઓ, વિદાય વખતે ટોળે વળેલ મિત્રો અને સ્વજનોને છેલ્લી વખત જોઈ લેવાનો, પછી કદાચ કદીપણ જોવા ન મળવાની સંભાવના અને ગુપ્ત વસવસો, શબ્દના રૂપમાં ફૂટ્યો અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરતો ગયો. આખરી પંક્તિઓમાં વતનની ધૂળ સાથેની પ્રગાઢ માયા, એના જ અંકે આખરી શ્વાસ લેવાની ઊંડી મનીષાનો પડઘો વાચકના હૃદયને પણ ભીંજવી જાય છે. માણો ગુજરાતી સાહિત્યની અમર કૃતિઓમાં સ્થાન પામનાર આ સંવેદનશીલ ગઝલ બે સ્વરોમાં.
*
સ્વર – પુરુષોત્તમ ઉપાધ્યાય
*
સ્વર – મનહર ઉધાસ
*
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
– આદિલ મન્સૂરી
9 Comments