Press "Enter" to skip to content

Tag: અવિનાશ વ્યાસ

ઊંચી તલાવડીની કોર


એક જમાનો હતો કે જ્યારે બહેનોને પાણી ભરવા તળાવ કે કૂવા પર જવું પડતું હતું. અને ત્યાં બહેનો વચ્ચે એક પ્રકારનું social interaction થતું હતું. હવે તો મોટાભાગના ગામડાઓમાં પાણીના નળ આવી ગયા છે અને પાણી ભરવા જવું પડે તે પણ કોઈને ગમે નહીં એવું થઈ ગયું છે. પણ ગ્રામીણ ભાતીગળને ઉજાગર કરતું અવિનાશભાઈનું આ સુંદર પદ આપણને માનસપટ પર એ દિવસોની યાદ તાજી કરાવી પાણી ભરવા જતી બહેનોનું ચિત્ર અનાયાસ દોરી આપે છે. સાંભળો આ લોકપ્રય ગીતને આશા ભોંસલેના સ્વરમાં.
*

*
ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો

બોલે અષાઢીનો મોર પાણી ગ્યા’તાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો.

ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
નજરું ઢાળી હાલું તો’ય લાગે નજરું કોની

વગડે ગાજે મુરલીના શોર, પાણી ગ્યા’તાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો.

ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો

– અવિનાશ વ્યાસ

1 Comment

પંખીડાને આ પીંજરુ


જ્યારે ઉંમર થઈ જાય, શરીર સાથ ન આપે, જીવવાની જીજીવિષા સાવ નામશેષ થઈ જાય ત્યારે માણસને પોતાનો દેહ જર્જરિત પીંજરા જેવો લાગવા માંડે. એને ફરી યુવાન થવાના, નવો દેહ ધારણ કરવાના અને નવા પીંજરામાં પૂરાવાના કોડ જાગે છે. આ ગીતમાં એ બખૂબીથી વર્ણવેલું છે. મૂકેશના કંઠે ગવાયેલ આ ગીત દરેક ગુજરાતીએ ક્યારેક ને ક્યારેક ગણગણ્યું હશે. ચાલો માણીએ અવિનાશભાઈની અમર કૃતિ.
*
સ્વર – મુકેશ

*
સ્વર – સોલી કાપડીઆ

*
પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
અણઘારો કર્યો મનોરથ દુરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા લગન એને લાગી રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝુલો
હીરે મઢેલ વીંઝણો મોતીનો મોઘો અણમુલો
પાગલ ન બનીએ ભેરુ કોઇના રંગ રાગે રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

માન માન ઓ પંખીડા નથી રે સાજનની રીત
આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત
ઓછું શું આવ્યું સાથી સથવારો ત્યાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

– અવિનાશ વ્યાસ

15 Comments

હુ તુ તુ તુ


સિદ્ધ પિતા અવિનાશ વ્યાસના પ્રસિદ્ધ પુત્ર ગૌરાંગ વ્યાસે આ ગીતને સ્વર અને સંગીત આપ્યું છે. એક રીતે જોઈએ તો આ કદાચ ગુજરાતી ભાષાનું સૌપ્રથમ રેપ કક્ષાનું સોંગ કહી શકાય. જે લય, તાલ અને શબ્દો આ ગીતમાં મૂકવામાં આવ્યા છે તે કાબિલે તારીફ છે. એક વાર સાંભળવાથી સંતોષ ન થાય અને વારંવાર સાંભળ્યા કરવાનું મન થાય એવું આ ગીત આજે સાંભળો.
*
Avinash Vyas

*
Aishwarya-Bhumik

*
હુતુતુતુ હુતુતુતુ હુતુતુતુ
જામી રમતની ઋતુ (2)
આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ તુ તુ તુ

તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ હુ તુ તુ તુ
પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ હુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
ખમીર થી ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
હોય જગ જાગતું કે હોય સૂતું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢૂંઢે
ધનની પાછળ ધન દોડતું પ્રપંચ ખેલી ઊંડે
જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લૂંટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

ભેરુનો દેખાવ કરીને ખેલ ખેલતાં ઊંચે શ્વાસે
પર ને કેમ પરાજિત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
ખાકનાં ખિલોના રમે સાચું અને જૂઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

– અવિનાશ વ્યાસ

13 Comments